પાટીદાર મનસુખ માંડવિયા બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી, ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચામાં

શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (19:40 IST)
ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામા બાદ હવે શું થશે એ સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. જોકે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ પાટીદાર નેતા પુરુષોત્તમ રૂપાલાએ ચોખવટ કરી છે કે આવતીકાલ સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અલબત્ત, આજે સવારે સરદારધામમાં થયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની એને જોતાં પાટીદાર જ ગુજરાતના નવા મુખ્યમંત્રી બને એ લગભગ નક્કી છે. વિશ્વાસપાત્ર વર્તુળોએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા અને પુરુસોત્તમ રૂપાલાનાં નામોની પણ ચર્ચા ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે જ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સરદારધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે કોઈપણ શુભ કાર્ય પહેલાં આપણે ત્યાં ગણેશ પૂજાની પરંપરા છે અને સદભાગ્યે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારના અવસરે સરદારધામ ભવનનું ઉદઘાટન પણ થયું છે. તદુપરાંત પાટીદાર સમુદાયે વેપારક્ષેત્રે દેશને હંમેશાં નવી ઓળખ આપી છે. આ કાર્યક્રમ બાદ જ રૂપાણી સીધા રાજભવન ગયા અને રાજીનામું આપ્યું તે સ્પષ્ટ સંકેત આપે છે કે નવા મુખ્યમંત્રી પાટીદાર જ હોઈ શકે છે.

ગુજરાતના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો ત્યારથી સીઆર પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150+ સીટ જિતાડવાના ટાર્ગેટની ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સ્વપ્ન છે કે ગુજરાતમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતે અને નવો વિક્રમ રચે. આ સ્વપ્નને સાકાર કરવા ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજની સખત જરુર છે, પરંતુ હાલ પાટીદાર સમાજ ભાજપને ભયંકર નારાજ હોવાના સંકેતો મળતાં ભાજપે જૈન સમાજના રૂપાણીને હટાવીને પાટીદારને જ ગુજરાત સરકારના નવા સુકાની બનાવવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર