પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે

ગુરુવાર, 16 જૂન 2022 (12:40 IST)
પાટીદાર સમાજના અગ્રીમ નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે કેમ, થશે તો ક્યા પક્ષ સાથે જોડાશે તે મામલે છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી અટકળો પર અંત આવી ગયો છે. આજે કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે.

આ મુદ્દે તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના તમામ સમાજના લોકોને અને માં ખોડલધામને મારા પ્રણામ, મૂળ વાત પર જ આવીએ તો રાજકરણમાં પ્રવેશ કરવાનો વિચાર મને કોરોના કાળમાં આવ્યો હતો. એ સમયે મેં સરદાર સાહેબને ખૂબ વાંચ્યા અને મને વિચાર આવ્યો કે રાજકારણમાં પ્રવેશ મેળવીએ. માટે આ વિચાર મેં સમાજ પાસે મુક્યો હતો.સમાજમાં થયેલા સર્વે અનુસાર 50% યુવાનો અને 80% મહિલાઓ એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલ પૂરતો જ મોકૂફ રાખવામાં આવ્યો છે.નોંધનીય છે કે આજની યોજાનારી પત્રકાર પરિષદમાં પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી જોડાયા ન હતા.તેમના દ્વારા રાજકારણમાં પ્રવેશની વિચારણા વખતે ખોડલધામની રાજકીય કમિટી દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં સમાજના વડીલોએ રાજકારણથી દૂર રહેવા સલાહ આપી હતી જ્યારે મહિલા અને યુવાનોએ રાજકારણમાં સક્રિય થવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર