હવે લોકોને મળી રહેશે વાવાઝોડાની આગોતરી ચેતવણી, ઊભી કરવામાં આવશે“અર્લી વોર્નિંગ ડિસિમિનેશન સિસ્ટમ”

સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (16:05 IST)
૧૬૦૦ કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં વાવાઝોડાની આગોતરી ચેતવણી લોકોને મળી રહે તે માટે રૂ. ૪૫ કરોડના ખર્ચે “અર્લી વોર્નિંગ ડિસિમિનેશન સિસ્ટમ”ઊભી કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપી છે. 
 
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રાજ્યમાં વાવાઝોડાના ખતરાના નિવારણ માટે નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને વર્લ્ડ બેન્કના સંયુક્ત ઉપક્રમે આ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. 
 
વિજય રૂપાણીએ આ સિસ્ટમ શરૂ થયા પછી પાંચ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સ ખર્ચ માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ બજેટમાં કરવાનો પણ નિર્ણય કર્યો છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વાવાઝોડા તેમજ અન્ય પાણીજન્ય કુદરતી આપત્તિઓની શક્યતા પણ ઘણી રહે છે. 
 
હવામાન વિભાગ દ્વારા અપાતી વાવાઝોડાની ચેતવણીને પૂર્ણ ગંભીરતાથી લઇ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સમગ્ર તંત્ર સચોટ રીતે સતત સજ્જ રહે છે અને શક્ય હોય તેટલું ઓછું અથવા નહિવત્ નુકસાન થાય તે મુજબની કાર્યવાહીથી રાજ્ય સરકાર આપદા પ્રબંધન કરે છે. આ નવિન સિસ્ટમ તેમાં પૂરક બનશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર