ગાંધીનગરમાં વીવીઆઈપીઓ માટે ખાસ સુવિધા, રસ્તાઓ પહોળા કરવા 8 હજાર વૃક્ષોનું નિકંદન થશે
મંગળવાર, 3 એપ્રિલ 2018 (12:18 IST)
ગાંધીનગર તરફ જવાના રસ્તાઓમાં બન્ને બાજુ ઘટાદાર વૃક્ષો જોવા મળે છે. આ જ રસ્તાઓ પર ગવર્નર, મુખ્યમંત્રી અને અન્ય મોટી હસ્તીઓના નિવાસ્થાન આવેલા છે. ગાંધીનગરનો આ રસ્તો સૌથી વધુ હરિયાળી ધરાવતો રસ્તો છે પરંતુ હવે આ રસ્તાની હરિયાળી લાંબા સમય સુધી નહીં રહી શકે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ ૭ કિલોમીટરના પટ્ટાને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી પર્યાવરણ રક્ષકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
NHAIના આ નિર્ણય અંગે અહીંના લોકોએ દાવો કર્યો કે આ રસ્તા પર આવેલા મોટા ભાગના વૃક્ષો ૭૦ વર્ષથી પણ જૂના છે. ઉપરાંત આ રોડ પર ટ્રાફિક પણ એટલો મર્યાદિત હોય છે કે રસ્તા પહોળા કરવાની કોઇ જરુર જ નથી. આ વિસ્તારમાં મંત્રીઓના નિવાસસ્થાન હોવાને કારણે ઘણી વાર VIP મૂવમેન્ટ માટે રસ્તા બ્લોક કરવામાં આવે છે. તે સિવાય અહીં ટ્રાફિક ઘણો ઓછો જોવા મળે છે. તેમનું કહેવું છે કે રસ્તા પહોળા કરવા માટે લગભગ 8000 જેટલા ઝાડ કાપવામાં આવે તેવી શક્યતા છે.પાછલા થોડાક વર્ષોમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો ટ્રાફિક વધ્યો છે. ટ્રાફિકની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને NHAIએ છ-0(ઈન્દ્રોડા સર્કલ) અને જ-7(MIG સર્કલ) વચ્ચેનો રસ્તો પહોળો કરવાનો નિર્ણય લીધો છે. રાજકીય નેતાઓના નિવાસસ્થાન સિવાય અહીં ઈન્દ્રોડા નેચર પાર્ક, સર્કિટ હાઉસ અને અક્ષરધામ મંદિર જેવા અન્ય લેન્ડમાર્ક પણ છે. ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અતુલ અમીન જણાવ્યું કે રસ્તા પહોળા કરવાના પ્લાન બાબતે અમારી NHAI સાથે સ્પષ્ટ વાતચીત નથી થઈ. છ-૦થી જ-૭ સુધીનો રોડ પ્રોટેક્ટેડ એરિયામાં આવે છે. ત્યારે બીજી બાજુ NHAIનું કહેવું છે કે પ્રોજેક્ટનું કામ શરુ થઈ ગયું છે. NHAIના ચીફ એન્જિનિયર અને એડિશનલ સેક્રેટરી પી.આર.પટેલિયા કહ્યું કે આ પ્રોજેક્ટની ટેન્ડરની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે અને એક મહિનામાં કામ શરુ થઈ જશે. આ રુટ પર આવતા વૃક્ષોનો સર્વે જંગલ ખાતા દ્વારા કરવામાં આવશે. અહીં અત્યારના ફોર-લેન રસ્તાને પહોળો કરીને સિક્સ-લેન રસ્તો કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બાબતે કહ્યું કે કેટલા વૃક્ષ કપાશે તેની જાણ અમને નથી.ગાંધીનગર વસાહત મંડલના પ્રેસિડન્ટ અને એક્ટિવિસ્ટ અરુણ બુચે કહ્યું કે NHAIએ જ-૦ના સ્થાને NH૮ને પહોળો કરવાની જરુર છે. કારણ કે VIP મૂવમેન્ટ દરમિયાન આ રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે. તેથી રાતે ટ્રાફિક વધુ હોય છે. તેથી વાહનોને છ રોડ પર ડાઈવર્ટ કરવામાં આવે છે. માટે આ રસ્તાની પહોળાઈ વધારવી જરુરી છે. મેં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર મનસુખ માંડવિયાને આ અંગે પત્ર પણ લખ્યો છે.