ચિલોડા-ગાંધીનગર-સરખેજ હાઇવેને રૂ.૮૪૬ કરોડના ખર્ચે છ-માર્ગીય બનાવાશે : સંપૂર્ણ ટોલ ફ્રી રોડ - નિતિન પટેલ

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (18:49 IST)
નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, વિકાસને વરેલી ગુજરાતની નવી સરકારને કેન્દ્ર સરકારે નવા વર્ષની ભેટરૂપે માર્ગ સુવિધાના વિવિધ વિકાસ કામોનો વ્યાપ વધારવા રૂ.૧૬૭૭ કરોડના વિવિધ પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. આ કામો આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. પટેલે ઉમેર્યુ કે, માર્ગ સુવિધાના ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે, ત્યારે રાજ્યનું સુગ્રથીત વિકાસ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગે ભારત સરકારને આ ત્રણ દરખાસ્તો કરી હતી તેને કેન્દ્રના માર્ગ અને મકાન મંત્રાલય દ્વારા મંજૂર કરાઇ છે. જેમાં મુખ્યત્વે રાજ્યના પાટનગર ગાંધીનગરથી અમદાવાદને જોડતાં ૪૫ કિ.મી. લંબાઇના ચિલોડા-ગાંધીનગર-સરખેજ હાઇવેને રૂ.૮૪૬ કરોડના ખર્ચે છ-માર્ગીય બનાવાશે. આ માર્ગ સંપૂર્ણ ટોલ ફ્રી રહેશે, જેનાથી નાગરિકોને વધુ સુવિધાઓનો લાભ થશે. આ માર્ગ ઉપર સાણંદ, ઉજાલા જંક્શન, પકવાન જંક્શન, વૈષ્ણોદેવી જંક્શન તથા ગાંધીનગરના ઉવારસદ, સરગાસણ અને ઇન્ફોસિટી જંક્શન ખાતે સાત ફ્લાય ઓવરબ્રીજનું નિર્માણ થશે, સાથેસાથે સોલા તથા ખોડીયાર નજીક હાલના બે ઓવરબ્રીજને પણ છ-માર્ગીય કરાશે. વધુમાં, સોલા ભાગવતથી ઝાયડસ સર્કલ સુધી જ્યાં ખૂબ જ ટ્રાફીકનું ભારણ રહે છે તેવા ૪.૧૮ કિ.મી. રસ્તા પર એલિવેટેડ છ-માર્ગીય રસ્તાનું નિર્માણ કરાશે. જેનાથી આ રસ્તાનો નીચેનો ટ્રાફીક યથાવત રહેશે અને ઉપરથી આ એલિવેટેડ કોરીડોર પસાર થશે. આ માર્ગ માટે રૂ.૪૨૩ કરોડ કેન્દ્ર સરકારના તથા અન્ય રૂ.૪૨૩ કરોડ રાજ્ય સરકારને મળતાં સેન્ટ્રલ રોડ ફંડ (CRF) માંથી ફાળવાયા છે. તેમણે ઉમેર્યુ કે, નર્મદા ડેમ ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" નું નિર્માણ થઇ રહ્યું છે તે સંદર્ભે આગામી સમયમાં પર્યટકોનો ખૂબ જ ઘસારો તેમજ ટ્રાફીકના ભારણને ધ્યાને લઇ, નર્મદા નદી પર ગરૂડેશ્વર ખાતે રૂ.૫૨ કરોડના ખર્ચે EPC પદ્ધતિ હેઠળ નવા બ્રીજનું નિર્માણ કરાશે. આ બ્રીજ ૬૫૧ મીટર લંબાઇનો અને ત્રણ-માર્ગીય પહોળાઇ ધરાવતો બ્રીજ બનશે. આ કામ પણ બે વર્ષમાં પૂર્ણ કરાશે. પટેલે ઉમેર્યુ કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હયાત રસ્તાઓને પહોળા કરવા, તેનું મજબુતીકરણ, નવા પુલો અને નાળાઓ બનાવવા માટે ભારત સરકાર તરફથી સેન્ટ્રલ રોડ ફંડ (CRF) ફંડ આપવામાં આવે છે, આ માટે કેન્દ્ર સરકારે રાજ્યના ૨૩ જિલ્લાઓના ૩૮ કામો માટે પણ રૂ.૭૮૦ કરોડની ફાળવણી કરી છે. જે હેઠળ રાજ્યના સ્ટેટ હાઇવેના ૩૧૧ કિ.મી. લંબાઇના ૧૬ કામો માટે રૂ.૪૭૮ કરોડ, પંચાયત હસ્તકના રસ્તા પર રૂ.૨૯૯ કરોડના ૩૫૨ કિ.મી.ના ૨૧ કામો તથા પોરબંદર ખાતે નેશનલ હાઇવેના રેલ્વે અન્ડરબ્રીજનું રૂ.૩ કરોડનું એક કામ પણ મંજૂર કરાયું છે. આમ સમગ્ર રાજ્યમાં આ યોજના હેઠળ કુલ-૬૬૩ કિ.મી. લંબાઇના માર્ગ સુવિધાના કામો હાથ ધરાશે જે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર