ગોધરામાં 5 હજાર કાર્યકરો સાથે કોંગ્રેસના ધારાસભ્ય સી.કે. રાઉલજી ભાજપમાં જોડાયા

શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (12:53 IST)
રાજ્યમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે 150 સિટોનું ટાર્ગેટ પુરુ કરવા માટે ધમપછાડા શરુ કરી દીધા છે. તેવામાં તાજેતરમાં જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી ટાણે ગોધરાના કોંગી ધારાસભ્ય સી.કે રાઉલજીએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ અને ભાજપમાં જોડાવાની ખાતરી આપી હતી. આજે ગોધરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતીમાં સી.કે રાઉલજી કોંગ્રેસ મુક્ત ગોધરાના નારા સાથે 5000 જેટલા કોંગી કાર્યકારો સાથે વિધિવત ભાજપમાં જોડાતા પંચમહાલ કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. તાજેતરમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામી આપ્યાં હતા. જેમાના એક ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી પણ હતા. તેના કારણે રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ પોતાનો મત આપી શક્ય ન હતા. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ગોધરામાં આટલી મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને પૂર્વ ધારાસભ્ય એક સાથે ભાજપમાં જોડાતા પંચમહાલની રાજનીતીમાં ખળભળાટ મચી જવા પામી છે. કોંગ્રેસ મુક્ત ગોધરાના નારા સાથે ભાજપમાં વિધિવત જોડાયેલા સી.કે રાઉલજી અને કોંગી કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં શું ભાજપ સી.કે રાઉલજીને વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપશે કે નહીં ? અને જો ભાજપ તેમને ટિકિટ આપે તો ગોધરાની જનતા સી.કે રાઉલજીને ફરીથી ધારાસભ્ય બનાવશે?

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર