હવે ગિરનાર અભ્યારણ્યમાં પણ સિંહદર્શન થવાની શક્યતાઓ

બુધવાર, 16 ઑગસ્ટ 2017 (17:34 IST)
સિંહપ્રેમીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સાસણ બાદ હવે જૂનાગઢમાં સિંહ દર્શન કરી શકાશે. જૂનાગઢ ગીરનાર અભયારણ્યમાં સિંહ દર્શનની સરકારે મંજૂરી આપી છે. ચોમાસા બાદ સિંહ દર્શનની કામગીરી હાથ ધરાશે. જૂનાગઢમાં સિંહદર્શન વ્યવસ્થા ઉભી થશે પછી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું જશે અને જૂનાગઢનો વિકાસ થશે.આ માટેની દરખાસ્ત જૂનાગઢના મેયર જીતુભાઈ હીરપરા દ્વારા વનમંત્રીને રજૂઆત કરાઈ છે.

વનમંત્રીએ વનવિભાગ મારફત દરખાસ્ત મોકલવા માટે જણાવ્યું હતું. જુનાગઢના બોરદેવી, સરખડીયા હનુમાન અને જીણાબાવાની મઢી પાસે એમ ત્રણ જગ્યાએ વ્યવસ્થા ઉભી કરવા માટે મેયર દ્વારા વનવિભાગને રજૂઆત કરવામાં આવી છે. દૂર-દૂરથી આવતા પ્રવાસીઓને સિંહ જોવા માટે સાસણ જવું પડતું. ત્યાં પણ જો ટ્રાફિક હોય તો સિંહ દર્શન થતાં નથી. જૂનાગઢ ગીરનાર અભયારણ્યમાં 40 જેટલા સિંહો છે. જેમાં 5 નર, 14 માદા અને બાકીના બાળસિંહ છે. ઉપરાંત ઝરખ, હરણ, દીપડા જેવા અન્ય પ્રાણીઓ પણ જોવા મળે તેમ છે. મેયરની દરખાસ્તના પગલે વન વિભાગ દ્વારા ગાંધીનગર ઉચ્ચ ઓફિસ ખાતે આ દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. ત્યાંથી કાર્યવાહી આગળ શરૂ થઇ ગઈ છે. મંજૂરી મળ્યાબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ વનવિભાગ દ્વારા જણાવાયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર