ગુજરાતમાં ભાજપની કફોડી પરિસ્થિતી થતાં પીએમ મોદીના પ્રવાસો વધશે, બુલેટ ટ્રેનના ખાતમૂર્હતની લોલીપોપ

બુધવાર, 16 ઑગસ્ટ 2017 (13:33 IST)
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી હવે રંગ પકડતી જાય છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસનું મોરલ બુસ્ટ થયું છે. ત્યારે ભાજપના એક આંતરિક સરવેમાં પણ આ વખતે તેને 95 જેટલી સીટો મળે એમ છે. ભાજપની આ સ્થિતીને જોતાં એકાએક વિકાસકામો શરૂ કરવાની કવાયત હવે હાથ ધરાઈ છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી ભાજપનું સાશન છે. જ્યારે હવે કેન્દ્રમાં પણ ભાજપની જ સરકાર હોઈ નોંધનીય છે કે મેટ્રો ટ્રેન પણ અત્યાર સુધી શરૂ થઈ જવી જોઈતી હતી. હજી મેટ્રોનાં ઠેકાણાં નથી પડ્યાં ત્યારે પ્રજાને ચૂંટણી લક્ષી લોલીપોપ આપવા માટે ફરીવાર દેશના પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યાં છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેઓ 15 સપ્ટેમ્બરે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું જાપાની વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરે એવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સંભવિત સપ્ટેમ્બરમાં ગુજરાતની મુલાકાતે આવશે. તેનાથી ગુજરાત અને જાપાન વચ્ચેના વેપાર સંબંધો વધારવા આ મુલાકાત ઘણી મહત્વની બનશે. બંને આ દરમમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિનર ડિપ્લોમસી કરશે. ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંગ ગયા મહિને જ જાપાનની મુલાકાતે જઈને આવ્યા છે.  જ્યાં તેમણે ટોક્યો, ઓશાકા જેવા ચાર મોટા ઔદ્યોગિક શહેરોમાં ઉદ્યોગપતિઓને મળીને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે વાતચીત કરી હતી. જાપાનની 20 થી વધુ મોટી અને મધ્યમ કદની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે તત્પરતા બતાવી છે.  દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણની તકો વધુ હોવાથી નરેન્દ્ર મોદી પણ અન્ય વિકસિત દેશોના વડાપ્રધાન સાથેની બેઠકો પણ ગુજરાતમાં જ ગોઠવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર