ચિકિત્સા ક્ષેત્રે ખૂલશે નવા દ્વારો: આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારવા ITRA અને સરકાર વચ્ચે થયા એમઓયુ

ગુરુવાર, 15 જુલાઈ 2021 (20:08 IST)
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં વિશ્વ સમક્ષ અનેક પ્રકારના આરોગ્યલક્ષી પડકારો આવી રહ્યાં છે ત્યારે આજની એકવીસમી સદીમાં આયુર્વેદનો વ્યાપ ખૂબ પ્રમાણમાં વધી રહ્યો છે અને લોકો આયુર્વેદને રોજિંદા જીવનશૈલી તરીકે અપનાવી રહ્યાં છે. તેને ધ્યાને લઈ રાજ્યમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા અને શોધ પધ્ધતિનો વ્યાપ વધારવા માટે જામનગર સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ અને ગુજરાત સરકાર વચ્ચે આજે ગાધીનગર ખાતે એમ.ઓ.યુ. કરાયા હતા.
 
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ મહત્વની ઘટનાના સહભાગી થવા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશભાઇ કોટેચાની હાજરીમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા નિયામક (આયુષ), ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇ.ચા. કુલપતી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ના ડાયરેક્ટર વૈદ્ય અનુપ ઠાકર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતમાં આ એમ.ઓ.યુ. થયા હતા.
 
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ઉમેર્યું હતુ કે, આયુર્વેદ વધુને વધુ લોકભોગ્ય બને તેનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધે એ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકાસવંતા ગુજરાતને રાષ્ટ્રીય સ્તરનું મહત્વ (INI) ધરાવતી સંસ્થાની ભેંટ આપવામાં આવી છે. જેના ફળ સ્વરૂપ રાજ્યના જામનગર ખાતે ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ને લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) એ દેશનું સર્વપ્રથમ આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વતા ધરાવતું સંસ્થાન છે. ગુજરાત હવે આયુર્વેદ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ એક નવી દિશાનિર્માણ કરશે. જેનો સીધો લાભ રાજ્યની-દેશની જનતાને મળશે.
 
આ એમ.ઓ.યુ થવાથી જામનગર સ્થિત આયુર્વેદ પરિસરમાં કાર્યરત ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, આઇ.આઇ.એ.પી.એસ. જેવી શૈક્ષણિક સંસ્થાઓ હવેથી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ના એક છત્ર હેઠળ આયુર્વેદ ક્ષેત્રે કાર્યરત થશે અને આ સંસ્થા દેશની એકમાત્ર આયુષ ઇન્સ્ટીટ્યુટ બનશે. ગુજરાતની ધરતી પર આયુર્વેદ ચિકિત્સા, અનુસંધાન અને શિક્ષણ જેવી બાબતોમાં વિશ્વસ્તરે નવા પરિમાણો આકાર પામશે. હવે આયુર્વેદ વિકાસના નવા આયામો ખૂલશે અને લોકોને તેનો લાભ મળશે. શિક્ષણ, અનુસંધાનની સાથે ચિકિત્સા બાબતોમાં ઉપલબ્ધીના નવા દ્વારો પણ ખૂલશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે.
 
તેમણે ઉમેર્યું કે, જામનગર ખાતે ITRA સંસ્થાને સરકાર દ્વારા રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરવાનો નિર્ણય આયુર્વેદ શિક્ષણ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક પગલું બની રહ્યું છે. જેને પરિણામે રાજ્યના નાગરિકોને આઇ.આઇ.ટી., અને આઇ.આઇ.એમ. કક્ષાની આયુર્વેદ ક્ષેત્રની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાનો લાભ મળ્યો છે. ITRA જામનગર એ ભારતભરમાં આયુર્વેદની રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી એક માત્ર સંસ્થા છે. રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા આકાર પામવાથી આયુર્વેદ શિક્ષણને સ્વાયત્તતા મળી. આયુર્વેદ શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા હવે નવીન અભ્યાસ અને શિક્ષણ પ્રણાલી ઘડવી સરળ થશે.
 
ITRA ગુજરાત રાજ્યમાં કાર્યરત થવાથી તબીબી શિક્ષણ ક્ષેત્રે આયુર્વેદ નવીનતમ શિક્ષણ પધ્ધતિઓને આકાર આપી શકાશે. એટલુ જ નહીં આયુર્વેદની તમામ શાખાઓમાં શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં સરળતા થશે. આયુર્વેદ ક્ષેત્રે નવી શિક્ષણ, ચિકિત્સા અને શોધ પધ્ધતિને તૈયાર કરવામાં સરળતા થશે. 
 
અભ્યાસ અને અનુસંધાન પ્રક્રિયાને વધુ ઊંડાણપૂર્વકના બનાવી શકાશે. દેશભરમાં કાર્યરત અને નવી આકાર પામનારી આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાઓ માટે ITRA  એ એક ઉદાહરણરૂપ સંસ્થા બની રહેશે. આ થકી ગુજરાત એ સમગ્ર દેશમાં આયુર્વેદ ઉત્થાન અને વિકાસ અર્થે મશાલચી બનશે. આ સંસ્થા વર્તમાન સરકાર દ્વારા તૈયાર કરાયેલી નવી શિક્ષણ નીતિને કેન્દ્રમાં રાખી કાર્ય કરશે જેથી તે આદર્શ બની રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર