Narendra Modi Gujarat visit
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્યને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે. સાણંદ પહોંચતા જ વડાપ્રધાને હેલિપેડથી માઈક્રોન કંપની સુધી એક ભવ્ય રોડ-શો યોજ્યો હતો. આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો PM મોદીની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા હતા. રોડ-શોના ઉત્સાહપૂર્ણ વાતાવરણ બાદ વડાપ્રધાને સાણંદમાં નિર્મિત અત્યાધુનિક સેમિકન્ડક્ટર સુવિધાનું નિરીક્ષણ અને ઉદ્ઘાટન કર્યું હતું.
રૂ. 22,516 કરોડના ખર્ચે માઈક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન
PM મોદીએ સાણંદમાં અંદાજે રૂ. 22,516 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા માઈક્રોન સેમિકન્ડક્ટર ATMP (Assembly, Test, Marking, and Packaging) પ્લાન્ટનું વિધિવત ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટ ઉદ્યોગ જગત માટે 'ગેમ ચેન્જર' માનવામાં આવે છે. વડાપ્રધાને પ્લાન્ટની મુલાકાત લઈ ત્યાંની ટેકનોલોજી અને કાર્યપદ્ધતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી, જે ભારતને ગ્લોબલ ટેક મેપ પર મજબૂત સ્થાન અપાવશે.
અધિકારીઓ સાથે સમીક્ષા અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
પોતાના સાણંદ રોકાણ દરમિયાન વડાપ્રધાને અંદાજે દોઢ કલાક જેટલો સમય ફાળવીને પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે કંપનીના પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી લક્ષ્યાંકો વિશે ચર્ચા કરી હોવાનું મનાય છે. આ હાઈ-પ્રોફાઈલ વિઝિટને ધ્યાનમાં રાખીને સમગ્ર સાણંદ વિસ્તારમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ડ્રોન દ્વારા પણ સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
2023માં ખાતમુહૂર્ત અને 2026માં પ્લાન્ટ કાર્યરત
નોંધનીય છે કે, માઈક્રોન કંપનીના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વર્ષ 2023માં ખુદ PM મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં, એટલે કે વર્ષ 2026માં આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો છે. હવે અહીં સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ થશે. આ પ્લાન્ટ દ્વારા અંદાજે 5,000 જેટલી નવી રોજગારીની તકો ઊભી થવાનું અનુમાન છે, જે સ્થાનિક યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત બનશે 'આત્મનિર્ભર'
નિષ્ણાંતોના મતે, આ પ્લાન્ટ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક ટેકનોલોજીકલ ક્રાંતિ સમાન છે. માઈક્રોન ટેકનોલોજીના આ યુનિટના લોકાર્પણ સાથે ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ મોટું ડગલું માંડશે. આ પહેલથી ગુજરાત વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં એક મજબૂત હબ તરીકે ઉભરી આવશે અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભારતની આયાત પરની નિર્ભરતા ઘટશે.