સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાં ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની છે. આ વચ્ચે Narendra Modi 28 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સાણંદ, અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ચૂંટણી પૂર્વે યોજાતી આ મુલાકાતને રાજકીય રીતે ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
સાણંદમાં PM મોદી સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શન કામગીરીનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન સાથે બેઠક કરીને સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. સંગઠનાત્મક મજબૂતી, બૂથ લેવલ કામગીરી અને વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે.
ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન 28 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રોડ શો અને જાહેર સભા યોજી શકે છે. સૂત્રો અનુસાર આ રેલી રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનની સત્તાવાર શરૂઆત ગણાશે.