આગામી બે દિવસમાં મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું, ગુજરાતમાં ક્યારે વરસાદ?

શુક્રવાર, 10 જૂન 2022 (09:15 IST)
હવામાનવિભાગે ગુરુવારે જણાવ્યું કે ચોમાસું સામાન્યપણે આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તે મહારાષ્ટ્ર પહોંચે તેવી સંભાવના છે.
 
જેનામણિએ જણાવ્યું કે ચોમાસાની પ્રગતિમાં કોઈ વિલંબ થયો નથી. મહારાષ્ટ્ર પહોંચ્યાના આગામી બે દિવસમાં તે મુંબઈ પહોંચે તેવી સંભાવના છે.
 
વૈજ્ઞાનિકોએ કહ્યું કે આગામી બે દિવસોમાં ગોવા અને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુના અન્ય કેટલાક ભાગમાં વરસાદ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
 
નોંધનીય છે કે ગુજરાતમાં ચોમાસા પહેલાં જ ગુરુવારે વહેલી સવારથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં હવે ચોમાસા જેવો માહોલ શરૂ થઈ ગયો છે અને કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
 
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચે એ પહેલાં જ હવામાન પલટાયું છે અને વરસાદ પડ્યો છે.
 
હવામાનવિભાગે હવે ગુજરાતના 16 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
 
 
ગુજરાતના ક્યા જિલ્લામાં વરસાદની આગાહી?
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ચોમાસા પહેલાંનો વરસાદ પડ્યો છે. રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
 
હવામાનવિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 10 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે અને તે બાદ 14 જૂન સુધી ચોમાસા પહેલાંનો વરસાદ પડે તેવી શક્યતા છે.
 
ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
ખાનગી હવામાન એજન્સી 'સ્કાયમેટ' મુજબ રાજ્યમાં 10 જૂન બાદ વરસાદની તીવ્રતામાં થોડો વધારો થઈ શકે છે. જોકે, મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ પડવાની શક્યતા છે.
 
સમગ્ર જિલ્લામાં સર્વત્ર વરસાદની આગાહી નથી એટલે કે છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર