ગાંધીનગર: ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા-FSSAI દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૭.૫૦ ટકા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યુ છે. આ સિદ્ધિ બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે નવી દિલ્હી ખાતેથી ગુજરાતને એવોર્ડ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતે ર૦ર૦-ર૧ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં ૭ર ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ પણ મેળવી છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના “ઇટ રાઇટ ચેલેન્જ”માં પણ ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેમાં ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી ૭૫ જિલ્લા-શહેરોને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી ગુજરાતના ૦૫ શહેરો અને ૧૯ જિલ્લાઓ એમ કુલ-૨૪ જિલ્લાઓ-શહેરો સાથે ગુજરાતે Eat Right Challengeમાં પ્રથમ સ્થાન જ્યારે વડોદરા શહેરે સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
આ માપદંડોમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પલાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે. ગુજરાતે આ તમામ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પૂરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ મેળવ્યો છે. ગુજરાતે આ અગ્રતા ક્રમ સતત ચોથા વર્ષે પણ જાળવી રાખ્યો છે.