કોરોના અને મ્યુકોરમાઈકોસિસના હાહાકાર વચ્ચે બાળકોમાં MIS-C રોગ થી વાલીઓમાં ભય ફેલાયો

સોમવાર, 31 મે 2021 (13:58 IST)
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થઇ શકે છે તેવી વૈજ્ઞાાનિકોએ ભીતિ વ્યક્ત કરી છે. જોકે,સંભવિત ત્રીજી લહેર અગાઉ જ પશ્ચિમ દેશોના રોગે હવે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે.તબીબી ભાષામાં આ રોગને મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિન્ડ્રોમ ( MIS-C  ) કહે છે. કોરોનાને માત આપનારાં બાળકો હવે MIS-C  રોગનો શિકાર બની રહ્યાં છે. છેલ્લાં એકાદ મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ય MIS-C  રોગથી સંક્રમિત પાંચેક બાળકોએ સારવાર લીધી છે.

ગુજરાતમાં કોરોનાના કેસો મોંડ માંડ ઘટી રહ્યાં છે જેથી લોકોએ હાશકારો અનુભવ્યો છે. કોરોના બાદ મ્યુકર માઇકોસિસના રોગે પણ ગુજરાતમાં માઝા મૂકી છે. આ રોગના કેસો વધી પણ ચિંતાજનક હદે વધી રહ્યાં છે. સંભવિત ત્રીજી લહેર આવે તે પહેલાં હવે મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ ( MIS-C  ) રોગે દેખા દીધી છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ અને બાળરોગ નિષ્ણાત ડો.રાકેશ જોશીનું કહેવુ છેકે, કોરોના મટયા બાદ બાળકોમાં MIS-C  રોગ દેખાયો છે. આ પોસ્ટ કોવિડ રોગ ગણાય છે.એક વર્ષથી માંડીને 18 વર્ષના બાળકને આ રોગ થઇ શકે છે. જે બાળકની ઇમ્યુનિટી વધુ હોય તેને આ રોગ અસર કરતો નથી. ખાસ કરીને  મેદસ્વિતા સહિત કો- મોર્બિટ બાળકોને વધુ જોખમ રહેલુ છે.

કોરોના મટયા બાદ બાળકો તાવ આવે,શરીર પર લાલ ચકામાં પડે , નબળાઇ આવે, ઝાડા-ઉલ્ટી થાય.પેટમાં દુખાવો થાય,શ્વાસ લેવામાં મુશ્કેલી થાય.આ બધાય MIS-C  રોગના લક્ષણો છે. કોરોના બાદ જો બાળકને આવા લક્ષણો જોવા મળે તો માતાપિતાએ તુરત જ બાળરોગ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. છેલ્લાં એકાદ મહિમાં MIS-C  રોગથી સંક્રમિત પાંચ બાળ દર્દીઓ સિવિલમાં દાખલ થયા હતાં. આ બાળ દર્દીઓ પૈકી અત્યારે માત્ર એક જ બાળ દર્દી સારવાર હેઠળ છે.  નિષ્ણાત તબીબોના મતે, મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ ( MIS-C  ) કોરોના ન થયો હોય તેવા બાળકને પણ થઇ શકે છે.વાલીઓએ સચેત થવાની જરૂર છેકે, શાળાએ જતાં બાળકોને માસ્ક જરૂર પહેરાવે અને કાળજી રાખે. જો મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમની ગંભીર અસર થાય તો, બાળ દર્દીને ઓક્સિજન જ નહી,વેન્ટિલેટરથી સારવાર આપવી પડે છે. આમ, ત્રીજી લહેર અગાઉ જ બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ ( MIS-C  ) રોગ દેખા દેતા  વાલીઓમાં ચિંતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મેમનગરની એક ખાનગી હોસ્પિટલમાં જન્મના 12 કલાકમાં બાળકને મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ (MIS-C) રોગ થયા હોવાનુ નિદાન થયુ હતું. ઉલ્લેખનીય છેકે, દોઢ મહિના અગાઉ માતાને કોરોના થયો હતો જેના કારણે નવજાત શિશુને મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ રોગ થયા હોવાનું તબીબોનું કહેવુ છે. હાલ આ નવજાત શિશુ આઇસીયુમાં ઓક્સિજન પર છે. નવજાત શિશુને તાવ ઉપરાંત ઓક્સિજન લેવલ ઓછુ હતુ.
 
મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ (MIS-C)ના લક્ષણો
 
તાવ આવે
 
શરીર પર લાલ ચકામાં પડે 
 
નબળાઇ આવે
 
ઝાડા-ઉલ્ટી થાય
 
પેટમાં દુખાવો થાય
 
શ્વાસ લેવામાં મુશ્કેલી થાય

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર