દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આજે વહેલી સવારથી મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે સવારે 6 વાગ્યાથી માંડીને 8 વાગ્યા દરમિયાન 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાના આગમન બાદ વરસાદ ખેંચાયો હતો, ત્યારબાદ હવે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર જામ્યું છે.
મહુવા, વલસાડ અને તાપી તાલુકાના દોલજણ અને નવસારીના જલાલપુરમાં સવા ઇંચ મેઘમહેર થઇ હતી, તો આ તરફ સુરત સિટીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
વલસાડની દમણગંગા નદી, કોલક નદી, પાર નદી, અને ઔરંગા નદીમાં નવા નીરનું આગમન થયું છે જ્યારે દમણગંગા નદીમાં વાપીનો કોઝવે અને ઔરંગા નદીમાં વલસાડ અબ્રામા ખાતે નો કોઝવે ડેમ છલકાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક શરૂ થઇ છે.