રૂ.૭૧ કરોડના ખર્ચે રાજ્યના ૧૦ હજાર પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે

સોમવાર, 19 જુલાઈ 2021 (08:56 IST)
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે 'કડોદરા GIDC એસોસિએશન'ના સહયોગથી રૂ.કરોડના ખર્ચે નિર્માણ પામેલા 'કડોદરા GIDC સ્માર્ટ પોલીસ સ્ટેશન'નું ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
 
આ પ્રસંગે મંત્રીએ સુરત જિલ્લામાં નવા પ્રકલ્પોની ભેટ આપતાં જણાવ્યું હતું કે, બારડોલી તાલુકામાં નવું મઢી પોલીસ સ્ટેશન અને મહુવા પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને નવું અનાવલ પોલીસ સ્ટેશન બનાવાશે. માંગરોળ તાલુકાના ઝંખવાવમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અદ્યતન નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાશે, જ્યારે ઓલપાડ તાલુકાના ઉમરા ગામે નવી પોલીસ ચોકી અને નેશનલ હાઈવે પર આઉટ પોસ્ટ પોલીસ ચોકી ઊભી કરાશે. બારડોલી શહેરના ૧૯ સ્થળોએ ૧૩૮ સી.સી. ટી.વી. કેમેરા અને કડોદરામાં ૧૧ સ્થળોએ ૫૩ સી.સી. ટી.વી. કેમેરા લગાવાશે.
 
મંત્રીએ રૂ.૭૧ કરોડના ખર્ચે ૧૦ હજાર પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે એમ જણાવી ઉમેર્યું કે, ગુજરાત પોલીસ સંવેદનશીલ બને અને સાથોસાથ ટેકનોલોજીના ઉપયોગમાં સ્માર્ટ પણ બને તે દિશામાં ગુજરાતના ગૃહવિભાગ દ્વારા શ્રેણીબદ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિના કારણે વિશ્વભરના રોકાણકારો ગુજરાતમાં મૂડીરોકાણ કરી રહ્યાં છે. રાજ્યના પ્રજાજનોની શાંતિ- સલામતી અને સુખાકારી માટે આ સરકારે લીધેલા સંખ્યાબંધ કડક પગલાં, નિર્ણયોના કારણે લોકોને સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો છે.
 
ગૃહરાજ્યમંત્રીએ પોલીસ વિભાગના આધુનિકીકરણની દિશામાં થઈ રહેલા પ્રયાસોની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં નવનિર્મિત પોલીસ મથકોમાં પોલીસ સેવાની સાથે નાગરિકને જરૂરી સુવિધાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. કડોદરા પોલીસ સ્ટેશન સ્માર્ટ અને સુવિધાજનક બન્યું છે. પોલીસ મથક નિર્માણના કેન્દ્રમાં સામાન્ય નાગરિક હોય છે.
 
મંત્રીએ GIDC એસોસિએશન તેમજ પલસાણા એન્વાયરો પ્રોટેકશન લિ.ના દાતાશ્રીઓની સામાજિક જવાબદારી અને આર્થિક સહયોગને બિરદાવતા કહ્યું કે, તમારા દાનની એક એક પાઈનું ઋણ ચૂકવવા પોલીસતંત્ર નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવશે, અને આ વિસ્તારની સુરક્ષા માટે કૃતસંકલ્પ રહેશે એમ સ્પષ્ટપણે જણાવી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લેન્ડગ્રેબિંગ, ગૌહત્યા નિષેધ, ચેઈન સ્નેચિંગ સામે કાયદો, વિશ્વાસ પ્રોજેક્ટ જેવા રાજ્ય સરકારે લીધેલા અનેક પ્રજાલક્ષી કાયદાઓ અને પગલાઓ અંગે વિગતો આપી હતી.
 
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, લોકડાઉન તેમજ કોરોનાકાળમાં GIDCના સેવાભાવી ઉદ્યોગકારોએ સમાજિક જવાબદારીને પ્રાધાન્ય આપી હજારો શ્રમિકો માટે ભોજન, અનાજ કીટ વિતરણનું ભગીરથ કાર્ય કર્યું. સાથોસાથ હજારો શ્રમિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સાથે વતનમાં મોકલવા માટે સરાહનીય કામગીરી નિભાવી હતી એમ જણાવી તેમણે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સ્માર્ટ પોલીસ સ્ટેશન લોકસમસ્યા નિવારવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.
 
વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું કે, રાજ્યમાં સુખ શાંતિ સ્થાપવા માટે પોલીસતંત્રના જવાનો-અધિકારીઓ રાતદિન મહેનત કરે છે, ત્યારે આપણે સુખચેનની નિંદ્રા માણીએ છીએ. પોલીસની સુદ્રઢ કામગીરીથી લોકોને આજે કાયદો અને વ્યવસ્થાની સુખદ અનુભૂતિ થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
 
આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા, મોહનભાઇ ઢોડીયા, મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા, સુરત સુરત રેન્જના અધિક પોલીસ મહાનિદેશક એસ.રાજકુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, DySP રૂપલ સોલંકી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, GIDC એસોસિએશન તેમજ પલસાણા એન્વાયરો પ્રોટેકશન લિ.(PEPL)ના હોદ્દેદારો, ઉદ્યોગકારો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર