લુલુ ગ્રુપ અમદાવાદમાં સૌથી મોટો શોપિંગ મોલ ખોલશે, વાઈબ્રન્ટમાં રોકાણની માહિતી આપી

શનિવાર, 13 જાન્યુઆરી 2024 (18:04 IST)
- ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપ  ગુજરાતમાં સૌથી મોટો શોપિંગ મોલ
-  શોપિંગ મોલમાં 300થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હશે
- 12,000થી વધુ લોકોને રોજગારી મળશે
 
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અનેક ઉદ્યોગપતિઓ અનેક મોટી જાહેરાતો કરી છે. સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ અને સુઝુકીએ મોટી જાહેરાત કર્યા બાદ યુનાઈટેડ આરબ અમીરાત સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ ગુજરાતમાં આવવાની તૈયારી કરી દીધી છે.

ગ્રુપ અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે કંપની રૂ. 4000 કરોડનું મૂડીરોકાણ કરશે. લુલુ ગ્રુપના માર્કેટિંગ અને રિલેશનશિપ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર વી નંદકુમારે વાઇબ્રન્ટ ગુજરાતમાં જણાવ્યું હતું અમે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બાંધીશું અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રૂ. 4000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે  કોચી, અને લખનૌ પછી દેશમાં લુલુ ગ્રુપનો આ ત્રીજો શોપિંગ મોલ હશે. આનાથી રાજ્યમાં 6000 લોકોને પરોક્ષ રીતે અને 12,000થી વધુ લોકોને રોજગારી મળશે. તેમણે કહ્યું હતું  કે આ પ્રોજેક્ટના નિર્માણ માટે જમીન સંપાદન અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને આ મેગા શોપિંગ મોલનો શિલાન્યાસ આવતા વર્ષની શરૂઆતમાં કરવામાં આવશે.

અમદાવાદ સ્થિત શોપિંગ મોલમાં 300થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હશે. તેમાં 3,000 લોકોની ક્ષમતા સાથે મલ્ટી-કુઝિન રેસ્ટોરાં, બાળકો માટેનું દેશનું સૌથી મોટું મનોરંજન કેન્દ્ર, IMAX સાથેનું 15-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ અને અન્ય ઘણાં આકર્ષણો હશે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં યોજાયેલા યુએઈ રોડ શોમાં લુલુ ગ્રુપ અને ગુજરાત સરકાર દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અમારો ઉદ્દેશ અમદાવાદને ભારતમાં સૌથી વધુ લોકપ્રિય શોપિંગ ડેસ્ટિનેશન્સમાંનું એક બનાવવાનો છે અને તેમાં કોઈ શંકા નથી કે આ શોપિંગ મોલ ભારત અને વિદેશમાં દરેક માટે એક માઇલસ્ટોન ડેસ્ટિનેશન બની રહેશે, એમ તેમણે કહ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર