સંસદમાં સ્મોક એટેક કરનારા આરોપીઓને નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર લવાયા

શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (20:07 IST)
ગત મહિને સંસદ સત્ર દરમિયાન બે યુવકોએ સંસદમાં ઘૂસીને સ્મોક બોમ્બ સળગાવી સુત્રોચ્ચાર કર્યા હતાં. ત્યાર બાદ ગૃહમાં હંગામો મચી ગયો હતો. સાંસદોએ આરોપીઓને પકડીને સુરક્ષાકર્મીઓને સોંપી દીધા હતા. આ ઘટનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. હવે આરોપીઓના નાર્કો ટેસ્ટ માટેની અરજી મંજૂર થયા બાદ તેમને ગુજરાત લાવવામાં આવ્યા છે. 
 
ગુજરાત FSLનો રિપોર્ટ સૌથી મહત્વનો સાબિત થશે
ગુજરાત લાવવામાં આવેલા આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓની ગાંધીનગર સિવિલમાં નાર્કો ટેસ્ટ પહેલાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ FSL ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રણેય લોકોને ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ માટે લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી ગંભીર કહી શકાય તેવા આ બનાવમાં હવે ગુજરાત FSLનો રિપોર્ટ સૌથી મહત્વનો સાબિત થશે. 
 
પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને સ્મોક એટેક કર્યો હતો
લોકસભા ગૃહમાં બે માણસો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી નીચે કૂદીને તેમના જૂતામાંથી સ્મોક બોમ્બ કાઢીને સળગાવે છે. જેનાથી આખા ગૃહમાં અરાજકતા ફેલાય છે. આ સ્મોક એટેકમાં માત્ર સંસદની અંદર જ નહીં પરંતુ બહાર પણ બે લોકો હાજર હતા. જેમાંથી એક મહિલા હતી. બાદમાં ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ હુમલામાં કોઈ સાંસદને નુકસાન થયું નથી, પરંતુ સુરક્ષાને લઈને ચોક્કસ સવાલો ઉઠવા લાગ્યા છે.
 
આ ઘટનામાં કુલ 6 લોકો સામેલ હતાં
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કુલ 6 લોકો સામેલ હતા જેમાંથી 5ની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે અન્ય એક ફરાર છે. પોલીસે તરત જ કાર્યવાહી કરતાં સાગર શર્મા (લખનૌ) અને ડી મનોરંજન (મૈસૂર)ને ગૃહમાંથી જ કસ્ટડીમાં લીધા હતા જેમણે ગૃહની અંદર હંગામો મચાવ્યો હતો. જ્યારે સંસદની બહાર દેખાવ કરતી વખતે અમોલ શિંદે (લાતુર) અને નીલમ નામની મહિલાની બહારથી અટકાયત કરાઈ હતી. આ સિવાય ગુરુગ્રામના લલિત ઝા નામના વ્યક્તિને પાંચમા વ્યક્તિ તરીકે પકડવામાં આવ્યો હતો. જ્યારે હજુ એક ફરાર હોવાની માહિતી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર