રેમડેસિવિર ઇંજેકશન મેળવવા સવારથી લાગી લાંબી લાઇનો, 1 વ્યક્તિને મળશે એક ઇંજેક્શન

સોમવાર, 12 એપ્રિલ 2021 (09:44 IST)
સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન  સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યભરમાં અસરકારક આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૧૦ એપ્રિલ સુધીમાં ૧,૮૦,૦૦૦ રેમડેસિવિર ઈંજેક્શન ફાર્માસિસ્ટોને સરકારે સપ્લાય કર્યો છે અને ૧,૦૫,૦૦૦ રેમડેસિવિર ઈંજેક્શનનું રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલો મારફત વિતરણ કર્યું છે.
 
માત્ર દસ દિવસમાં લગભગ ૨.૮૦ લાખથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનનો જથ્થો રાજ્ય સરકારે પૂરો પાડ્યો છે. આજથી અમદાવાદમાં કેડિલા કંપની દ્વારા રેમડેસિવિર ઈંજેક્શનનું પુન:વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં ૫૦,૦૦૦ થી વધુ જ્યારે રાજકોટ, વડોદરા અને સુરતમાં ૨૫-૨૫ હજાર રેમડેસિવિર ઈંજેક્શનની વ્યવસ્થા કરી છે અને તેની વધુ જરૂરિયાતને પહોચી વળવા ૩ લાખ રેમડેસિવિર ઈંજેક્શનનો રાજ્ય સરકારે ઓર્ડર આપ્યો છે. આજે ભારતમાં સૌથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનની વ્યવસ્થા કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. 
તો બીજી તરફ આજે સવારથી ઇંજેક્શન લેવા માટે સવારથી ઝાયડસ હોસ્પિટલની બહાર લાઇનો લાગી ગઇ છે. ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ફરી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ટોકન મેળવ્યા બાદ ઇન્જેક્શન મેળવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો રેમડેસીવીર ઇન્જેક્શન લેવા પહોંચ્યા છે. 
 
ઝાયડસ હોસ્પિટલ બહાર ઇંજેક્શન લેવા માટે ટોળેટોળા જોવા મળી રહ્યા છે. લોકો રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ સહિત જુદા જુદા જિલ્લામાંથી લોકો ઝાયડસ હોસ્પિટલ સવારથી પહોંચી ગયા છે. લાઈન માં ઉભેલા 1 વ્યક્તિ 1 દર્દી માટે ના ઇન્જેક્શન નો ડોઝ મેળવી શકશે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે કોરોના પોઝિટિવ દર્દી નું આધાર કાર્ડ , RTCPC પોઝિટિવ રિપોર્ટ અને ડોક્ટરે લખેલા લખાણ સહિતના ડોક્યુમેન્ટ જરૂરી છે. ઝાયડ્સ કેડીલા દ્વારા બનાવેલા રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 899 રૂપિયા છે જે ટેક્સ સાથે 950માં મળે છે. 
 
રેમડેસિવિર ઇન્જેકશનના કાળો કારોબાર
કોરોનાની મહામારીમાં લોકોને જીવન રક્ષક એવા રેમડેસિવિર નામના ઇન્જેકશનનો કાળો કારોબાર ચલાવતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આ અંગે માહિતી મળી હતી જેના આધારે પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને બે ઇન્જેકશનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતુ અને દેવયાનીનો સંપર્ક કર્યો હતો જેના આધારે પોલીસે આખી ટોળકીનો પર્દાફાશ કર્યો. પોલીસના કહેવા પ્રમાણે 4200 રૂપિયામાં આવતા આ ઇન્જેકશન આ ટોળકી 10 હજાર રૂપિયામાં વહેંચતા હોવાનું સામે આવ્યુ છે જો કે અત્યાર સુઘીમાં કેટલા લોકોને આ ઇન્જેકશન આપ્યા છે તે દિશામાં તપાસ ચાલુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર