ખેડા પોલીસ સ્ટેશનમાં વિકરાળ આગ લાગતાં 25 જેટલા વાહનો બળીને સ્વાહા

રવિવાર, 7 નવેમ્બર 2021 (10:21 IST)
ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની બહાર મોડી રાત્રે આગની ઘટના સર્જાઇ હતી. જેમાં 25 થી વધુ વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. નોંધનીય છે કે કેમિકલ અને ઓઇલના બેરલોમાં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વધુ પ્રસરી હતી. આગ ફાટી નિકળતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. 
 
આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં  નડિયાદ સહિત મહેમદાવાદ, અમદાવાદ, ઓએનજીસીની 8 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેના લીધે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. નડિયાદ ફાયર બ્રિગેડના ફાયર સુપરિટેન્ડન્ટ દિક્ષીત પટેલે જણાવું હતું કે આ આગની ઘટનામાં કાર, ટ્રક, સીએનજી રીક્ષા, બાઇક સહિત 25 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
 
પોલીસના જણાવ્યા અનુસાર ખેડા પોલીસ સ્ટેશને ગુનાના કામ અને ડિટેન કરેલા 25 થી વધુ વાહનો અને ઓઇલ અને કેમિકલના બેરલ આગમાં ખાખ થઇ ગયા છે. આગ લાગતા આસપાસના સ્થાનિક લોકોના ટોળા પોલીસ સ્ટેશન બહાર ઉમટ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર