તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંડલા પોર્ટની મુલાકાત લીધી તે દરમિયાન કંડલા પોર્ટનું નામ પંડિત દિન દયાલ પોર્ટ રાખવામાં આવે તેવી સુચના આપી હતી.પરંતુ ગાંધીધામ કંડલા સંકુલનાં અનેક લોકોએ કંડલા પોર્ટને ભાઈપ્રાતપનું નામ આપવા માટેનો મત વ્યક્ત કર્યો હતો. કચ્છ ઈતિહાસ પરિષદ દ્વારા કંડલા પોર્ટને મહારાજશ્રી ખેંગારજી ત્રીજાનું નામ આપવામાં તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમા મહારાવ પ્રાગમલજી ત્રીજા સહિતનાં કચ્છ ઈતિહાસ પરિષદનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, જો કંડલા પોર્ટનું નામ બદલવું હોય તો મહારાવ ખેંગારજી ત્રીજાનું નામ આપવામાં આવે કેમ કે, કંડલાને બંદર તરીકે વિકસાવવાની નેમ મહારાજ ખેંગારજી ત્રીજાએ વ્યક્ત કરી હતી. તેમણે 1876થી 1942 સુધી કચ્છમાં 66 વર્ષ સુધી રાજ કર્યું હતુ. કચ્છનાં વિકાસ માટે તેમના દ્વારા અનેક મહત્વનાં નિર્ણયો લેવાયા હતા. જેમા રાજાશાહી વખતમાં લખપત, માંડવી, મુંદરા, ભદ્રેશ્વર તેમજ તુણા બંદરોમાં સ્ટીમરો આવતી હતી. તે વખતે માંડવીના મુખ્ય બંદરમાં અધ્યતન સ્ટીમરોને સુવિધા આપવામાં મુશ્કેલી પડતી હતી. તેથી કંડલામાં મોટી સ્ટીમરો સુરક્ષિત રીતે આવી શકશે તેવું મહારાવ ખેંગારજી ત્રીજાને જણાતા તેમણે અહીંનું સ્થળ બંદર તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી.