RSSના એક્ઝિબિશનમાં ગુજરાતનાં વ્યક્તિ વિશેષ 200ની યાદીમાં ઝીણાનો પણ સમાવેશ

શુક્રવાર, 11 માર્ચ 2022 (08:48 IST)
અમદાવાદમા પીરાણા ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની 11થી 13 માર્ચ સુધી પ્રતિનિધિ બેઠક યોજાવાની છે. રાષ્ટ્રીય સ્તરની આ બેઠકમાં 200 જેટલા ગુજરાતના વ્યક્તિ વિશેષની યાદીમાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહંમદઅલી ઝીણાની તસ્વીરનો પણ સમાવેશે કરતા ભારે વિવાદ સર્જાયો છે. મહંમદઅલી ઝીણા મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના મોટી પનેલી ગામના વતની હતા. પીરાણા ખાતેના નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આર.એસ.એસની અખિલ ભારતીય પ્રતિનિધિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરએસએસના વડા મોહન ભાગવત અને ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. આ સિવાય 1248 જેટલા આરએસએસના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતની ઝાંખી કરાવતી એક વિશેષ પ્રદર્શની પણ તૈયાર કરવામાં આવી છે. ગુજરાત બહારથી આવતાં પ્રતિનિધિઓને ગુજરાતની સંસ્કૃતિ અને તેના વ્યક્તિ વિશેષની ઓળખ થાય તે માટે આ પ્રદર્શનીમાં કેટલાક ટેબ્લો ઉપરાંત તસ્વીરો પણ મૂકવામાં આવી છે. આ પ્રદર્શનીમાં ધ્યાન આકર્ષે તે રીતે ગુજરાતના 200 જેટલાં વ્યક્તિ વિશેષની યાદી તેમ જ તેમની તસ્વીરો દર્શાવાઈ છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, દાદાભાઇ નવરોજી, જાણીતા ઉદ્યોગપતિઓ ધીરૂભાઇ અંબાણી, રતન ટાટા, અઝીમ પ્રેમજી, અમુલના વર્ગીસ કુરિયન, સામ પિત્રોડા, વિક્રમ સારાભાઇ, મૃણાલિની સારાભાઇ, વિનોદ માંકડ, પ્રવિન બોબી, સંજીવ કુમાર, ડિમ્પલ કાપડિયા સહિતના મહાનુભાવોને દર્શાવાયા છે.જોકે તમામ બાબતો વચ્ચે ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, જુનાગઢના નવાબ સામે આરઝી હકુમતની લડત કરીને જુનાગઢને સ્વતંત્ર કરનાર શ્યામલદાસ ગાંધીની સાથે તસ્વીરોમાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહંમદ અલી ઝીણાની તસ્વીર પણ દર્શાવવામાં આવી છે. જેમાં ઝીણાની તસ્વીરની પર લખવામાં આવ્યું હતું કે, તેઓ પહેલા ચુસ્ત રાષ્ટ્રભક્ત હતા. જોકે બાદમાં તેમણે ધર્મના આધારે દેશના ભાગલા કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર