IFFCOના ડિરેક્ટરની ચૂંટણીમાં બિપીન ગોતા સામે જયેશ રાદડિયાની જીત, 180માંથી 113 મત મળ્યા

ગુરુવાર, 9 મે 2024 (18:12 IST)
સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા IFFCOના ડિરેક્ટર પદ માટેની ચૂંટણીનું આજે મતદાન થયું હતુ. દિલ્હી ખાતેના IFFCO સંકુલમાં ગુજરાતના 1 ડિરેક્ટર માટે મતદાન થયું હતું. જયેશ રાદડીયા માટે અસ્તિત્વનો તો બિપીન પટેલ માટે આબરૂનો જંગ હતો. ભાજપ સામે પડેલા પંકજ પટેલે ઉમેદવારી પાછી ખેંચતા જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. સૌરાષ્ટ્રના IFFCOના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરાયો હતો. હવે આ ચૂંટણીમાં જયેશ રાદડિયા બિપિન પટેલ ગોતાને હરાવીને ગુજરાતના ડિરેક્ટર બન્યાં છે. પંકજ પટેલે બિપીન પટેલને ટેકો જાહેર કરતા પોતાની દાવેદારી પાછી ખેંચી હતી. 
 
જયેશ રાદડિયાને 180માંથી 113 મત મળ્યા
IFFCOના ગુજરાતમાં કુલ 182મતદારો હતાં. જેમાથી આજે 180 મતદારોએ મત આપ્યો હતો. જયેશ રાદડિયાને 180માંથી 113 મત મળ્યા છે. જ્યારે ભાજપનો મેન્ડેટ હોવા છતાં બીપીન ગોતાને માત્ર 67 મત મળ્યા છે. જયેશ રાદડિયા ભાજપ સામે પડીને પણ જીતી ગયાં છે. હવે આવતીકાલે ઇફકોના ચેરમેનની ચૂંટણી યોજાશે. દિલીપ સંઘાણી બિનહરીફ થશે.જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જ્યારે બિપીન પટેલ સહકારી ક્ષેત્રના પ્રમુખ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર હતી. કોંગ્રેસ સમર્થિત વિજય ઝટકિયાએ IFFCOના  ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સુરત પાર્ટ-2 હોવાના કારણે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું.
 
ભાજપના નેતા દિલીપ સંઘાણી IFFCOના ચેરમેન પદે છે
ભાજપના સમર્થનથી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે રાદડિયાની હાર થાય છે તેના પર સૌની નજર મંડાયેલી હતી. ભાજપના ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતાં ડિરેક્ટર માટે ચૂંટણી યોજાઈ હતી. સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા હતી કે જો બિપીન પટેલ ચૂંટણી જીતે તો તેઓ IFFCOના ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી IFFCOના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે.  
 
આ ચૂંટણીમાં 94 જેટલા સૌરાષ્ટ્રના મતદારો હતા
આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા અને તેમાંથી 94 જેટલા સૌરાષ્ટ્રના મતદારો હતા. જયેશ રાદડીયાને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, દિલીપ સંઘાણી તેમજ અન્ય સ્થાનિક નેતાઓનું સમર્થન હતું. રાજકોટના 40થી વધુ ઉપરાંત અમરેલીના 29, મોરબીના 12 જેટલા મતદારો પણ રાદડીયાની સાથે હોવાથી તેમની જીત અગાઉથી જ નિશ્ચિત માનવામાં આવી હતી. ઇફ્કોની ચૂંટણીમાં આજે 182 માંથી 180 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે બાકી રહેતા બે મતદારો વિદેશ હોવાથી તેમનું મતદાન થાય તેમ ન હતું છતાં મતદાન માટે ચાર વાગ્યાનો સમય હોવાથી ત્યાં સુધી પ્રતિક્ષા કરાયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે જામકંડોરણા આવેલા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જયેશ રાદડીયાના નિવાસ્થાને થયેલી દોઢ કલાકની બેઠક બાદથી જ સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ હતું અને જયેશ રાદડિયાની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર