જસદણ હાઇવે પર ઈનોવા ટ્રીબર સાથે અથડાઈ, 2 લોકોએ જીવ ગુમાવ્યો, 5 ઇજાગ્રસ્ત

ગુરુવાર, 20 જૂન 2024 (12:04 IST)
accident gujarat
ગુજરાતમાં હાઈવે પર વાહનો બેફામ સ્પીડે પસાર થઈ રહ્યાં છે. જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે અને લોકોની જીંદગીનો અંત આવી રહ્યો છે. આજે વહેલી સવારે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત બે લોકોના જીવનનો કરૂણ અંત આવ્યો છે. જ્યારે 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ગોંડલ અને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે ગોંડલ-જસદણ હાઇવે પર અકસ્માત થયાની જાણ થતાં 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
 
ઓવરટેક કરવા જતાં ઈનોવા ટ્રીબર કાર સાથે અથડાઈ
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ નજીક ઇનોવા કાર અને ટ્રીબર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇનોવા કાર જસદણથી કોડીનાર જતી હતી ત્યારે ટ્રકની ઓવરટેક કરવા જતાં ગોંડલ તરફથી સામે આવતી ટ્રીબર કાર સામે અથડાઇ હતી. બંને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કરને લીધે બંને કાર પલટી મારી જવા પામી હતી. ઇનોવા કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાં ઇનોવા કાર ચાલક આરીફ હબીબ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું અને ઇનોવા કારમાં સવાર રેહાનાબેન ખીમાણી નામની મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. 
 
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા
ઇનોવા કારમાં અન્ય ત્રણ લોકો નસરીનબેન પરિયાણી, હાજી ખીમાણી અને સેજાનભાઈ ખીમાણી અને ગોંડલ તરફથી આવતી ટ્રીબર કારમાં સવાર પરેશ જેન્તી ડાંગર અને તેજસ પાનસુરીયાને ઇજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘોઘાવદર નજીક બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત વહેલી સવારે થયો હતો. 108 એમ્બ્યુલન્સના પાયલોટ પ્રતાપભાઈ અને EMT કાનજીભાઈને સવારે સવા છ વાગ્યાની આસપાસ અકસ્માતનો કોલ આવ્યો હતો. જેમાં બે 108 એમ્બ્યુલન્સ, 2 નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશ માધડ, નગરપાલિકા ફાયર સ્ટાફ, સામાજિક કાર્યકરો સહિતના સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર