જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાંથી મળ્યો મરેલો દેડકો: ફૂડ વિભાગે તપાસ હાથ ધરી

બુધવાર, 19 જૂન 2024 (17:16 IST)
dead frog
 ગુજરાતમાં ખાણીપીણીની અનેક વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે.જામનગરમાં બાલાજી વેફરમાંથી દેડકો નીકળતાં ગ્રાહકે કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. આ મુદ્દે ફૂડ વિભાગે વેફર્સના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે. 
 
જસ્મીન પટેલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાં રહેતા જસ્મીન પટેલ નામના વ્યક્તિની ભત્રીજીએ ગઈકાલે પ્રોવિઝન સ્ટોર પરથી બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું. જે પેકેટને ઘરે લઈ ગયા પછી તેને ખોલતા તેમાંથી મૃત હાલતમાં દેડકો મળી આવ્યો હોવાનો જસ્મીન પટેલે આક્ષેપ કર્યો છે. વેફરમાંથી રાત્રે દેડકો નીકળતાં તેઓએ પેકેટવાળીને મૂકી દીધુ હતું અને સવારે જસ્મીન પટેલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો. 
 
ચાર વર્ષની છોકરીને કંઇ થઇ ગયું હોત તો જવાબદાર કોણ?
આ અંગે જસ્મીન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, દેડકો નીકળ્યા અંગે દુકાનદાર સાથે વાતચીત કરીને એજન્સીવાળા જોડે વાત કરી હતી. એમણે કસ્ટમર કેરમાં વાત કરી હતી પણ કંઇ જવાબ ન મળ્યો તો અમે કસ્ટમ કેરમાં ફોન કર્યો તો મેડમે અમને કહ્યું કે, તમારે જે કરવું હોય એ કરો અમારે તો આવા કેસ આવતા જ રહેતા હોય છે.મારી નવ મહિનાની છોકરી અને મારા ભાઇની ચાર વર્ષની છોકરીને કંઇ થઇ ગયું હોત તો જવાબદાર કોણ?
 
વેફરના પેકેટમાં દેડકો ચીપાઇ ગયેલો હોય એવું જોવા મળ્યું 
આ અંગે જામનગર ફૂડ સેફ્ટી ઓફિસર ડી.બી. પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, વેફરમાંથી દેડકો નીકળ્યાની અમને ટેલિફોનીક સૂચના મળતાં અમે અહીં આવ્યા છીએ. અહીં આવ્યા બાદ અમે ચેક કર્યું તો વેફરના પેકેટમાં દેડકો ચીપાઇ ગયેલો હોય એવું જોવા મળ્યું છે. હાલ અમે આ એજન્સીમાંથી આજ બેચના પેકેટના નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર