ન્યૂ રાણીપમાં સરસ્વતીનગરમાં રહેતા ઓમકુમારી રાઠોડ બેંક ઓફ ઈન્ડિયામાં બચત ખાતું ધરાવે છે, જેમાં તેમના પતિનો ફોન નંબર હોવાથી બેંકની લેણદેણની વિગતો તેમના પતિના ફોનમાં આવે છે. 25 જાન્યુઆરીએ તેમણે બેંકમાં રૂ. 20 હજાર ડિપોઝિટ કર્યા હતા, પરંતુ પતિના ફોનમાં પૈસા જમા થયાનો મેસેજ આવ્યો ન હતો. આથી ઓમકુમારી અને તેમના પતિએ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં જઇ ભરેલા પૈસા એકાઉન્ટમાં જમા થયા કે નહીં? તે જાણવા પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા.
જોકે મશીન બંધ હોવાથી ઓમકુમારીએ વિચાર્યું હતું કે, ખાતામાંથી રૂ. 500 ઉપાડવાથી બેલેન્સ જાણી શકાશે. આથી તેમણે એટીએમમાંથી પૈસા ઉપાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ કારણસર પૈસા આવ્યા ન હતા. આ સમયે બે અજાણ્યા પુરુષો એટીએમમાં હતા. તેમણે ઓમકુમારીને પૂછ્યું કે, એટીએમમાં પૈસા છે. આથી તેમણે એટીએમમાં પૈસા ન હોવાનું તેમ જ સ્લિપ નીકળતી ન હોવાનો જવાબ આપ્યો હતો. આ સમયે એક પુરુષે કહ્યું કે, તમે એટીએમમાં ખોટી રીતે કાર્ડ નાખો છો. લાવો તમને પૈસા કાઢી આપું. ઓમકુમારીએ વિશ્વાસ રાખી તેને કાર્ડ આપી. તેની સામે પિન નંબર નાખ્યો હતો, તેમ છતાં પૈસા નીકળ્યા નહોતા. ત્યાર બાદ બંને પુરુષો પૈસા નથી લાગતા તેમ કહીને બહાર નીકળી ગયા હતા. બે દિવસ પછી ફોન પર મેસેજ તપાસતા જાણ થઈ કે તેમના બેંક ખાતામાંથી અલગ અલગ મળી કુલ બે લાખથી વધુની રકમ ઊપડી ગઈ છે. આ સમયે એટીએમ કાર્ડ જોતાં તેમનું કાર્ડ બદલાઈ ગયેલું હોવાનું જણાયું હતું. આમ બે અજાણ્યાએ કાર્ડ બદલી પૈસા ઉપાડી છેતરપિંડી કરી હોવાની ઓમકુમારીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે