માસ્ક ન પહેરનાર લાખો લોકોને ફટકાર્યો દંડ, 250 દિવસમાં 93.56 કરોડનો દંડ વસૂલ્યો

સોમવાર, 7 ડિસેમ્બર 2020 (11:10 IST)
હાલમાં ફરી એકવાર કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વારંવાર કહી ચૂક્યા છે કે જ્યાં સુધી કોરોનાની રસી આવે નહી ત્યાં સુધી માસ્ક જ રસી છે. કોરોના સંક્રમણથી બચવા માસ્ક એકમાત્ર વિકલ્પ છે. ત્યારે  શહેરના લોકો માસ્ક ન પહેરવા માટે અવનવા બહાના બનાવી રહ્યા છે. ત્યારે બહાનેબાજ લોકો વિરૂદ્ધ કડક પગલાં ભરતાં દંડ વસૂલવાની કાર્યવાહી ધરવામાં આવી રહી છે. 
 
ગત  250 દિવસમાં માસ્ક વગરના 21.40 લાખ લોકોને પકડીને તેમની પાસેથી પોલીસે રૂ.93.56 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. તેમ છતાં લોકો માસ્ક પહેરતા નથી. પોલીસ વડા આશિષ ભાટિયાએ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી છે.
 
જ્યારે લોકડાઉનથી આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જાહેરનામા ભંગના 60,400 ગુના નોંધાયા છે. જ્યારે લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન ફરતા 4.92 લાખ વાહનોને પોલીસે ડિટેઈન કર્યાં હતાં.
 
દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અને હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે. જેમાં સરકારની ગાઈડલાઈનનું કડક પાલન થાય તે જોવાની જવાબદારી પોલીસની છે. જેથી ડીજીપીએતમામ પોલીસ અધિકારીને લગ્ન, રાજકીય સમારોહમાં ગાઈડલાઈનનો કડક અમલ કરાવવાની સૂચના આપી છે.
 
કોરોનાને કંટ્રોલમાં લેવા માટે પણ જરૂરી પગલાં લેવા માટે ડીજીપીએ તમામ પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી છે. ડીજીપીએ તમામ પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસવડા સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તમામ પોલીસ અધિકારીઓને માસ્ક, સેનિટાઇઝર ર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા ખાસ સૂચના આપી હતી. તેમાં પણ ખાસ કરીને રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, એસટી બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ તેમજ શાકમાર્કેટ સહિતની માર્કેટોમાં પોલીસનો પોઈન્ટ ગોઠવવા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર