ઊર્જા ક્ષેત્રની જેમ ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું

સોમવાર, 7 ડિસેમ્બર 2020 (06:41 IST)
ઊર્જા ક્ષેત્રની જેમ ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં એક સમયે કૂલ બજેટનું કદ માત્ર આઠ હજાર કરોડનું હતું, તેની સામે હાલમાં માત્ર પીવાના શુદ્ધ પાણીના આયોજન માટે રૂ.૧૪ હજાર કરોડનું બજેટ છે. આ બાબત દર્શાવે છે કે,  રાજય સરકાર ગુજરાતમાંથી પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે કટિબદ્ધ છે. પાણી એ વિકાસની પ્રાથમિક શરત છે, તેમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.
 
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નલ સે જલના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતે પહેલ કરી છે. આ માટે વર્ષ-૨૦૨૧ના અંત સુધીમાં ગુજરાતના તમામ ઘરોમાં સો ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરૂ પાડવામાં આવશે.મુખ્યમંત્રીએ પ્રાચીન સમયના દર્ભાવતી પ્રદેશ એવા ડભોઇ ખાતેથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ઉપરાંત પાદરા, કરજણ અને શિનોરને પીવાના પાણીના રૂ.૪૧૭.૩૯ કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. સાથે, તેમણે કરનાળીના પ્રસિદ્ધ કુબેર ભંડારીમાં યાત્રાળુઓની સુવિધા માટે રૂ.૪૬ કરોડના પ્રવાસન કામોનો પ્રારંભ કરાવ્યો છે.
 
તેમણે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચથી નિર્મિત ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-૨નું લોકાર્પણ કર્યું હતું. આ યોજના દ્વારા ડભોઇ તાલુકાના ૭૪ ગામો અને ૧૪ નર્મદા વસાહતોની ૮૯ હજાર ઉપરાંત વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે. આ ઉપરાંત રૂ.૧૮૪.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નર્મદા કેનાલ આધારિત વડોદરા બલ્ક પાઇપલાઇન (પેકેજ-૧ અને પેકેજ-૨) યોજનાનું ખાતમુહૂર્ત તેમણે કર્યુ હતું. 
 
વડોદરા તાલુકાના (દક્ષિણ) ૪૯ અને કરજણ શહેર સહિત તાલુકાના ૯૩ અને શિનોર તાલુકાના ૪૧ સહિત ૧૮૩ ગામોને આ યોજનાથી પીવાનું શુદ્ધ પાણી મળશે.મહી નદી આધારિત પાદરા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ.૧૬૧.૦૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર યોજનાનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજનાથી પાદરા શહેર સહિત તાલુકાના ૮૦ અને વડોદરા તાલુકાના ૮ સહિત ૮૮ ગામો અને ૩૪ પરાઓને પીવાનું શુદ્ધ પાણી મળશે. સાથે, મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રકાશિત પંચ જળ સેતુ પુસ્તકનું વિમોચન પણ કર્યુ હતુ.
 
વિજય રૂપાણીએ ગુજરાતના ભૂતકાળને યાદ કરાવતા કહ્યું કે, વર્ષ ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકામાં પીવાના પાણીની સ્થિતિ એવી હતી કે, રાજકોટ જેવા મહાનગરોમાં તો ટ્રેઇન મારફતે પાણી આપવું પડતું હતું. આટલું જ નહીં, ગુજરાતના ગામડાઓમાં ટેન્કરરાજ ચાલતું હતું. તેમાં બળિયા હોય તેને પાણી મળે અને નિર્બળ લોકો પાણી વિનાના રહી જતાં હતા. વળી, આ ટેન્કરરાજમાં ભ્રષ્ટાચાર પણ ફૂલ્યો ફાલ્યો હતો.
 
વર્ષ ૨૦૦૦ પહેલા ગુજરાતમાં બલ્ક પાઇપ લાઇનનું વિતરણ નેટવર્ક નજીવું હતું. પાણીની સમસ્યાને તે વખતે જોઇએ એટલી ગંભીરતાથી લેવામાં આવતી નહોતી. તેના કારણે માત્ર બે બેડાં પાણી માટે મહિલાઓને દરદર ભટકવું પડતું હતું. પણ, ભાજપની સરકાર આવ્યા બાદ પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે વિસ્તૃત અને દ્રષ્ટિવંત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલ્ક પાઇપ લાઇનનું વિસ્તૃતિકરણ કરવાનું આયોજન હાથ ધર્યું ત્યારે વિરોધીઓ એવું કહેતા હતા કે આવડી મોટી પાઇપ લાઇનમાંથી માત્ર હવા જ નીકળશે, તે વિરોધીઓની આજે પાણી જોઇને હવા નીકળી ગઇ છે.
 
રાજયમાં ૨,૬૧૦ કિલોમિટર લાંબી બલ્ક પાઇપ લાઇન દ્વારા ૮,૬૮૯ ગામોમાં પાણી પુરવઠાની જૂથ યોજનાઓ થકી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું  છે. જેની પાછળ રૂ. ૩૭,૫૬૪ કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. રાજયના ગાંધીનગર, પોરબંદર, આણંદ, મહેસાણા અને બોટાદ જિલ્લામાં ૧૦૦ ટકા ઘરોને નળ જોડાણ થકી ઘર આંગણે પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે, રાજયમાં પ્રતિ માસે એક લાખ ઘરોને નળ કનેકશન આપવામાં આવી રહ્યા છે.
 
તેમણે કહ્યું કે, વડાપ્રધાનની સંકલ્પના મુજબ રાજ્યની તમામ શાળા અને આંગણવાડીઓને એક સો દિવસમાં નળ જોડાણ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેનો પ્રારંભ ૨જી ઓક્ટોબરથી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજયમાં પીવાના પાણીના ૮,૫૦૦ કરોડના કામો તથા ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે રૂ.૧૪,૦૦૦ કરોડના કામો ચાલી રહ્યા છે. તેમણે વિરોધીઓને આડેહાથ લેતા કહ્યું કે, ભૂતકાળમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં હતો. તેના કારણે જનકલ્યાણના કામો થતાં નહોતા. પણ આ સરકારે ઇમાનદારીથી પ્રજા દ્વારા ભરાયેલા કરવેરાના નાણાના એક એક રૂપિયાનો વિકાસ કામો માટે પારદર્શક્તાથી ઉપયોગ કરી સુશાસનની નાગરિકોને અનુભૂતિ કરાવી છે.
 
મધ્ય ગુજરાતના જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઇની ચાલી રહેલી યોજનાઓના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, રાજયના દરિયાકાંઠાના વિસ્તારોને શુદ્ધ પાણી મળી રહે તે માટે દરિયાના ખારા પાણીને મીઠા કરવા ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની પ્રથમ કડીના ભાગ રૂપે વડાપ્રધાન આગામી તા.૧૫ના રોજ કચ્છના માંડવી ખાતે આવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.
 
તેમણે કહ્યું કે, ગુજરાતે ગુડ ગવર્નન્સ થકી લોકોની આશા-અપેક્ષા અને આકાંક્ષાઓને સાકાર કરવા સાથે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. લોકોને ઇ-સેવા સેતુ થકી સરકારની વિવિધ સેવાનો લાભ આંગળીના ટેરવે, ઘર આંગણે આપવાના અભિયાનની ભૂમિકા પણ તેમણે આપી હતી.મુખ્યમંત્રીએ આ કાર્યક્રમના આયોજનમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સનું અસરકારક પાલન કરવા બદલ સૌ ઉપસ્થિતોને અભિનંદન પાઠવ્યા હતા. 
 
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ સમગ્ર વડોદરા જિલ્લા માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ હોવાનું જણાવતા કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતે વૈજ્ઞાનિક અભિગમથી પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ કર્યું છે. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાની વાત કરી લોકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરી હતી.
 
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીવાના પાણીના કામો માટે નાણાકીય જોગવાઇ માટે ક્યારેય કચાશ રાખી નથી. રાજય સરકાર દ્વારા રૂ. ૮,૫૦૦ કરોડના પીવાના પાણીના કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે પૈકી રૂ.૪,૫૦૦ કરોડના કામોના વર્ક ઓર્ડર પણ અપાઇ ગયા છે.
 
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નલ સે જલ યોજનાને સાકાર કરવા માટે ગુજરાતે પહેલ કરી છે. રાજયના ૯૧ લાખ ઘરો પૈકી અત્યાર સુધીમાં ૭૩ લાખ ઘરો સુધી નળ મારફત પાણી પહોંચાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના સાવલી અને ડેસર તાલુકાના ગામડાઓ માટે પણ પીવાના પાણીનું અસરકારક આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર