ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, હોલ ટિકિટ ખોવાઈ જાય તો નો ટેન્શન

શુક્રવાર, 25 માર્ચ 2022 (18:49 IST)
આગામી ૨૮ માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થઇ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણી વખત વિદ્યાર્થીઓ ઉતાવળમાં પરીક્ષાની રિસિપ્ટ એટલે કે હોલ ટિકિટ ઘરે જ ભૂલીને પરીક્ષા સ્થળ પર પહોંચી જતા હોય છે અને ત્યારબાદ એક્ઝામ સેન્ટરના સંચાલકો સાથે ઘર્ષણ પણ થતું હોય છે. આવી સ્થિતિ નિવારવા માટે બોર્ડે એક નવો નિર્ણય લીધો છે. 
 
બોર્ડની પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થીની ઓરિજિનલ રિસિપ્ટ એટલે કે હોલ ટિકિટ ખોવાઈ જાય તો તેણે રિસિપ્ટની ઝેરોક્ષ અને વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને તાત્કાલિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે. રિસિપ્ટની આ ઝેરોક્ષ કોપીમાં વિદ્યાર્થીનો ફોટો લગાવીને તેને પ્રિન્સિપાલ પ્રમાણિત કરી સહી-સિક્કા કરી આપશે, જે આગળના પેપરમાં માન્ય ગણાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ આ રિસિપ્ટ પરિણામ ન આવે ત્યાં સુધી સાચવીને રાખવી પડશે. આથી બોર્ડ પરીક્ષાના દરેક પરીક્ષાર્થીએ હોલ ટિકિટની બે ઝેરોક્ષ કરાવી રાખવી જોઈએ.                         
 
આ ઉપરાંત જો પરીક્ષાના પ્રશ્નપત્રનું પેકેટ નિયત સમય કરતાં વહેલું ખોલવામાં આવશે તો તે બદલ પ્રિન્સિપાલ કે પછી સિનિયર ટીચર સામે પોલીસ ફરિયાદ નોંધાશે. આટલું જ નહીં પરંતુ તેમનો એક ઇજાફો પણ અટકશે. રિસિપ્ટ ખોવાઇ ગઈ હોય તેવા કેસમાં વિદ્યાર્થીએ મુખ્ય ઉત્તરવહી તથા ગૌણ ઉત્તરવહીના નંબર બારકોડ સ્ટિકર ઉપરથી રિસિપ્ટમાં લખીને સુપરવાઈઝરની સહી કરાવવાની રહેશે. જો મુખ્ય ઉત્તરવહી અને ગૌણ ઉત્તરવહીના નંબરો રિસિપ્ટમાં લખ્યા નહીં હોય અને સુપરવાઈઝરની સહી કરાવી નહીં હોય તો વિદ્યાર્થીને તે પેપરમાં ભૂલથી ગેરહાજર બતાવાશે ત્યારબાદ વિદ્યાર્થી કશું કરી શકશે નહીં. પેપર સમયસર મોકલવામાં ઢીલ કરનાર એજ્યુકેશન ઈન્સ્પેક્ટર સામે પણ પોલીસ ફરિયાદ કરાશે અને જો કોઈ વિદ્યાર્થી મોબાઈલ કે સ્માર્ટવોચ સાથે પકડાશે તો તેનું પરિણામ રદ થશે અને તેને આગામી ત્રણ પરીક્ષામાં બેસવા દેવાશે નહીં.
 
પરીક્ષાનાં પેપરનાં પેકેટ ટીચરે સીસીટીવી કેમેરા સામે અને તે પણ બે વિદ્યાર્થીઓની સાક્ષીમાં ખોલવાનાં રહેશે. કોઇ પણ ટીચર નિયત સમય કરતાં વહેલાં પેકેટ તોડશે તો એમની સામે અને પ્રિન્સિપાલ સામે પોલીસ ફરિયાદ થશે અને એક ઇજાફો પણ અટકશે. ખાનગી સ્કૂલના ટીચર હશે તો રૂ. ૧૦,૦૦૦ સુધીની પેનલ્ટી પણ થશે. પાણીવાળા કે સફાઇ કામદાર કાપલીની હેરાફેરી અથવા સાંકેતિક રીતે ગેરરીતિમાં મદદ કરશે તો કામગીરીથી દૂર કરાશે અને મહેનતાણું ચૂકવાશે નહીં. 
 
આવી જ ગેરરીતિ પ્યૂન કરશે તો તેની સામે પણ કડક પગલાં લેવાશે. ક્લાસમાં વિદ્યાર્થી પાસે પુસ્તક કે કાપલી સહિતનું કોઇ સાહિત્ય મળી આવશે અથવા માસ કોપી કેસ આવશે તો શિક્ષક કે ક્લાર્કને પરીક્ષાની કાયમી કામગીરીથી દૂર કરી ફરજ મોકૂફ કરાશે. આન્સર બુકમાં જવાબ નહીં તપાસાય કે સરવાળામાં ભૂલ કરશે અથવા ઇરાદાપૂર્વક વધારે કે ઓછા ગુણ આપશે તો પ્રિન્સિપાલ કે શિક્ષકને ત્રણ વર્ષ માટે પરીક્ષાની કામગીરીથી દૂર કરાશે, મહેતાણું પણ નહીં મળે અને ભૂલ દીઠ મહેનતાણાંમાંથી રૂ. ૧૦૦ કપાશે. પેપર સમયસર મોકલવામાં ઢીલ કરશે તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર