ગુજરાતમાં ઠેર ઠેર ફૂટી નીકળેલા સ્પા સેન્ટરો પર હવે અનૈતિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં સ્પા ગર્લને માર મારવાનો બનાવ સામે આવતાં જ આવા ગોરખધંધાઓને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયાં છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હું આપને વિશ્વાસ અપાવું છું કે જ્યાં કોઈ પણ આવી ગંદકી ચાલતી હશે, તેને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે.
પોલીસ વિભાગ આ મામલે રાજ્યનું પોલીસ વિભાગ ખૂબ જ ગંભીરતાથી આ અંગે કામગીરી કરી રહ્યું છે. તેઓ શહેર પોલીસ કમિશનરને આ બાબતે સંપૂર્ણપણે માહિતી આપશે અને જ્યાં પણ કાર્યવાહી થાય તેની માહિતગાર કરાશે. ગત વર્ષે આ વિષય પર અને સ્પા પર ખૂબ જ મોટા પગલાઓ લેવામાં આવેલા છે અને હું આપને વિશ્વાસ અપાવું છું કે, આ પ્રકારની જે કોઈપણ ગંદકી હશે તેને સંપૂર્ણ દૂર કરવા માટે રાજ્યની પોલીસ હંમેશા મજબૂતાઈથી કામગીરી કરશે. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પોશ ગણાતા એવા એસજી હાઇવે, થલતેજ સિંધુભવન રોડ, રિંગરોડ સહિતના મસાજ અને રિલેક્સ કરી આપવાનાં નામ પર સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલતાં હોય છે. બહારના રાજ્યો અને દેશોમાંથી છોકરીઓ સ્પામાં કામ કરવા માટે આવતી હોય છે. સ્પામાં મસાજના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, જેમાં અનેક વિવાદો સામે આવતા હોય છે ત્યારે હવે પોલીસને ગૃહમંત્રી દ્વારા સૂચના આપવામાં આવે છે કે, આવા ચાલતા ગોરખધંધાઓને બંધ કરાવવામાં આવે.