ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા બે દિવસમા રાજીનામું નહીં આપે તો ફરી આંદોલન થશેઃ યુવરાજસિંહનું અલ્ટિમેટમ

બુધવાર, 29 ડિસેમ્બર 2021 (09:04 IST)
હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. એ દરમિયાન ગઈકાલે મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આજે આપના નેતા યુવરાજ સિંહે પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે, મહેશભાઈ અને ગુલાબસિંહ આવતી કાલે સવારે ઉપવાસ છોડશે. યુવરાજસિંહે કહ્યું હતું કે બે દિવસમાં અસિત વોરા રાજીનામું નહીં આપે તો અમે આંદોલન કરીશું અને ફરી રસ્તા પર ઉતરીશું.યુવરાજસિંહે કહ્યું હતું કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના હિતમાં અમારા વડિયો લડી રહ્યાં હતાં. પરંતુ હવે અમે લડીશું. અમે મહેશ ભાઈ અને ગુલાબભાઈને વિનંતી કરી છે કે અત્યારે તેઓ પોતાનું અનશન તોડી દે. તેઓ આવતીકાલે સવારે અમારી વેદનાને વાચા આપી પોતાનું અનશન તોડી રહ્યા છે. તેઓ નરોત્તમ સ્વામીના આદેશથી પોતાનું અનશન સવારે 11 વાગે તોડશે. આજે નરોત્તમ સ્વામી સહિતના લોકોએ મહેશભાઈની મુલાકાત કરી હતી.  અગાઉ યુવરાજસિંહે અસિત વોરાના રાજીનામા માટે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. પરંતુ સરકારે બાદમાં પેપર ફૂટયાનું કબૂલ્યું હતું અને આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. યુવરાજસિંહે પેપર ફૂટ્યાના પુરાવા આપ્યા હતાં. પરંતુ અસિત વોરાએ શરૂઆતમાં પુરાવા નહીં મળ્યા હોવાનું કહ્યું હતું. યુવરાજસિંહે સરકારની કાર્યવાહી પર કહ્યું હતું કે સરકારે આરોપીઓ વિરૂદ્ધ હળવી કલમો લગાવી છે. આ કેસમાં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર