ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ

ગુરુવાર, 21 જુલાઈ 2022 (10:41 IST)
રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં સતત વરસાદ ચાલું રહ્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહીને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.



ત્રિવેદીએ કહ્યું કે 23 અને 24મીએ કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ અપાયું છે.24 અને 25 તારીખે કચ્છ, જામનગર અને દેવભૂમી દ્વારકામાં રેડ એલર્ટ અપાયું છે. સાબરકાંઠામાં નદીના પટમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યા છે. દરમિયાનમાં કૃષિ પાકને નુકસાન અને ખેડૂતોને સહાય મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે મહેસૂલ વિભાગની ખાસ બેઠક બોલાવી છે.ચોમાસાના બીજા રાઉન્ડના સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.

શનિવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે. શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છ, શનિવારે ઉ.ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે. શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 74,232 લોકોને કેશડોલ્સ ચૂકવાઇ છે. વરસાદને કારણે અત્યારસુધીમાં 70 લોકોના મોત થયા છે. ઉકાઇ ડેમમાંથી 2 લાખ ક્યુસેક્સ પાણી છોડાઇ રહ્યું છે. કુલ ત્રણ ડેમો હાઇ એલર્ટ પર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર