આગાહી / આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ

શુક્રવાર, 15 જુલાઈ 2022 (08:32 IST)
રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
 
ગત બુધવાર સુધીમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું જે બાદ હવે 3 જિલ્લાનો વધારો કરી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  વધુમાં ભાવનગર, વલસાડ,પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.  
 
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૯ એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે જ્યારે ૧ ટીમ રિઝર્વ રખાઇ છે. જ્યારે ૨૨ એસડીઆરએફની પ્લાટુન અને એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની ચાર પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ટીમો દ્વારા ૫૭૦ નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
 
રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે.
રાજ્યમાં વરસાદને પરિણામે તા.૭ જુલાઇથી અત્યાર સુધીમાં કાચા અને પાકા કુલ ૧૨૬ મકાનો સંપુર્ણ નુક્શાન પામ્યા છે અને ૧૯ ઝુંપડા સંપુર્ણ નુક્શાન પામ્યા છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય અપાશે. રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર