આકરા તાપ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! જાણો કયા જિલ્લામાં ક્યારે આવશે વરસાદી ઝાપટું

શનિવાર, 14 માર્ચ 2026 (12:41 IST)
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે લોકો પરેશાન છે. જોકે, આ આકરા તાપની વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 19 અને 20 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
 
આગાહી મુજબ, 19 માર્ચના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ બદલાવને કારણે ગરમીમાં આંશિક ઘટાડો થવાની અને વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી સંભાવના છે.
 
ત્યારબાદ 20 માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં માવઠું થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પવન સાથે હળવો વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.
 
સમગ્ર રાજ્યમાં હાલમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનું જોર વધી રહ્યું છે, પરંતુ આગામી બે દિવસના આ સંભવિત વરસાદી ફેરફારને કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. વાદળછાયા વાતાવરણ અને માવઠાને લીધે લોકોને ગરમીથી કામચલાઉ રાહત મળશે, જોકે ખેડૂતો માટે આ કવખતનો વરસાદ ચિંતાનો વિષય બની શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર