ગુજરાત યુનિવર્સિટીની 21 ઓગસ્ટે લેવાનારી પરીક્ષા મોકૂફ, નવી તારીખ જાહેર થશે

સોમવાર, 10 ઑગસ્ટ 2020 (16:50 IST)
કોરોનાને પગલે અમદાવાદની સ્થિતિ થોડી સુધરતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજે આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે. આ પહેલા ગુજરાત યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો,એજ્યુકેશન વિદ્યા શાખાની યુજી-પીજીની વિવિધ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી હતી. જે મુજબ યુજી અને પીજી વિદ્યાશાખાની પરીક્ષાઓ બે તબક્કાઓમાં 21મી ઓગસ્ટ અને 31મી ઓગસ્ટથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. સવારે 10થી 12 અને બપોરે ત્રણથી પાંચ એમ બે તબક્કામાં પરીક્ષા યોજાવાની હતી. આ પહેલા જુલાઈમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં પુરી કરી લેવા રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો હતો. સાથે સાથે UGC અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવા જણાવ્યું છે,આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઈનના બે વિકલ્પ આપવા પણ સૂચન કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર