હાઈકોર્ટના આદેશ બાદ સરકારે દંડ વધાર્યો, માસ્ક નહીં પહેરો તો હવે 500ને બદલે 1 હજારનો દંડ

સોમવાર, 10 ઑગસ્ટ 2020 (15:26 IST)
ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કેર બાદ થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા. જેમાં માસ્ક નહીં પહેરનાર પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવાની હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. જેને લઇને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું છે કે રાજ્યની હાઈકોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં કાલથી અમલ કરવામાં આવશે. રૂપાણી એ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતી કાલ એટલેકે 11 ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. તેમણે રાજ્યના સૌ નાગરિકોને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે, તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. 24 જુલાઇએ ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના કેર બાદ થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા. લોકો અજ્ઞાનતાને લીધે માસ્ક પહેર્યા વગર અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફરી રહ્યા છે. માસ્ક નહીં પહેરનાર પાસેથી 1 હજારનો દંડ વસૂલવા હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી. લોકોની નારાજગીની ચિંતા કરવાની જરૂર નથી. લોકહિતમાં કડક નિર્ણયો લેવા જોઇએ. માસ્કએ કોરોનાથી બચવા માટે સૌથી જરૂરી છે. તેના વગર લોકો ફરે તેને ચલાવી લેવાય નહીં. દરેક વ્યકિત માસ્ક પહેરીને જ બહાર નીકળે તે જોવાની જવાબદારી સરકારની હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર