મગફળી કાંડમાં ગુજરાત સરકાર પર નાફેડના ચેરમેને કર્યાં ગંભીર આક્ષેપો

બુધવાર, 13 જૂન 2018 (12:18 IST)
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાના મામલે કૌભાંડ થયાની અટકળો ચાલી રહી છે તેવા સંજોગોમાં NAFED (નાફેડ)ના ચેરમેન વાઘજી બોડાએ રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. એટલું જ નહીં, મગફળીની ખરીદીમાં મોટા પાયે ગોટાળા થયા હોવાનો પણ નાફેડના ચેરમેને સ્વીકાર કર્યો હતો, પરંતુ આ મામલે નાફેડ પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. જો કે ગોડાઉનમાં લાગેલી આગ અને મગફળીની બોરીઓમાં માટી ભેળવવામાં વેરહાઉસ જવાબદાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રાજકોટમાં આજે નેશનલ એગ્રીકલ્ચરલ કો.ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ.(નાફેડ)ના ચેરમેન વાઘજી બોડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, નાફેડ એ ખેડૂતો માટે આશરે ૬૦ વર્ષ અગાઉ રચાયેલી સંસ્થા છે. તે ભારતભરમાંથી ખેડૂતોની જણસીનું ખરીદ-વેચાણ તેમજ આયાત-નિકાસનું કામ કરે છે. ગુજરાતમાં મગફળીની બોરીઓમાં આગ લાગી હતી તે ગુજરાત વેર કોર્પોરેશન અને એપીએમસીમાં જ લાગી હતી. નાફેડના ચેરમેન વાઘજી બોડાએ સરકાર પાસે માંગણી કારી હતી કે, સરકાર તપાસ કરાવે કે, મગફળીમાં ધૂળ ક્યાંથી આવી? તેમણે કહ્યું હતું કે, દેશમાં ગુજરાતની આબરૂના ધજિયા અને લીરાં ઉડ્યા છે. ગુજરાત હવે યુપી અને બિહાર જેવું થઈ ગયું છે.
ગોડાઉન ભાડે રાખતા સમયે ગોડાઉનની સ્થિતિ સારી રાખવી જોઈએ, જેમ કે, હવા ઉજાસ, ગોડાઉન ફરતા બે- બે ફૂટનો રસ્તો હોવો જોઈએ તેમજ ગોડાઉન માટે સિક્યુરિટી સહિતની વ્યવસ્થા રાખવાની જવાબદારી સંબંધિત વેર હાઉસની હોય છે, પરંતુ વેર હાઉસ દ્વારા આવા કોઈ નિયમો અને વ્યવસ્થાનું પાલન કરવામાં આવતું નથી. નાફેડના ચેરમેન વાઘજી બોડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુએ કહ્યું હતું કે, મગફળી સળગવા માટે નાફેડ જવાબદાર છે, પરંતુ કૃષિ મંત્રીની આ વાત સત્યથી વેગળી છે. આથી આ મામલે સરકાર દ્વારા તપાસ કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર