અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

શનિવાર, 23 ઑગસ્ટ 2025 (18:38 IST)
amadavad rain
બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની છે. તેમજ રાજસ્થાન પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બંને સિસ્ટમ મજબૂત બનશે તેથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. આ સિસ્ટમના કારણે  ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના  વિસ્તાર વરસાદનું પ્રમાણ વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 27 ઓગસ્ટ બાદ ફરી વરસાદ વધશે.
 
રાજ્યમાં પડી રહેલાં વરસાદની વાત કરવામાં આવે તો સવારના 6થી 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ ધરમપુર તાલુકામાં 4.13 ઈંચ, ભેસાણમાં 3.66 ઈંચ, પારડીમાં 3.5, વ્યારામાં 3.15, સોનગઢમાં 2.8, ખેરગામમાં 2.6, કુંકાવાવ વડિયામાં 2.2, જુનાગઢમાં 2.09, માંડવીમાં 1.89, વાલોદમાં 1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદ શહેરમાં બપોરે 2 વાગ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. એક કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં નરોડા, સરદારનગર, રાણીપ, હંસપુરા, ઉસ્માનપુરા, મોટેરા, સાબરમતી, એરપોર્ટ અને કોતરપુર વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે નરોડા, સરદારનગર તેમજ કુબેરનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.
 
અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી, બપોરના સમયે ઘેરા વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં વિઝિબિટીલીટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોએ વાહનોની ગતિ ધીમી કરવાની ફરજ પડતાં રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે ટ્રાફિર અવરોધાયો હતો.
 
હવામાન વિભાગની આગાહી મુજબ બંને સિસ્ટમના કારણે 26 ઓગસ્ટ બાદ  ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ 28 બાદ વરસાદ થોડો ધીમો પડશે પરંતુ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસતો રહેશે.આજના દિવસમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ વરસ્યો, આજે આઠ તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો, આજે વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ વરસ્યો જ્યારે આજે પારડીમાં ખાબક્યો 3.5 ઈંચ,ભેંસાણમાં  સાડા ત્રણ ઈંચ,ખેરગામમાં  ઈંચ સહિત કુલ 108 તાલુકામાં  વરસાદ વરસ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર