પાટીદાર અનામત આંદોલનમાં નોંધાયેલા ૫૦૦ કેસોમાંથી 55 પરત ખેંચાયા

સોમવાર, 6 નવેમ્બર 2017 (13:20 IST)
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં થયેલા તોફાનોમાં પાટીદારો સામે નોધાયેલા કેસો પરત ખેંચવા માટે સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી. જેમાં કુલ ૫૦૦ જેટલા કેસ દાખલ થયા હતા જે પૈકી માત્ર ૫૫ કેસો પાછા ખેંચાયા હોવાની વિગતોનું લિસ્ટ સોશિયલ મિડિયામાં ફરતુ થયું છે. જો કે ઉત્તર ગુજરાતમાંથી વધુ કેસો પાછા ખેચાયા હોવાનું લિસ્ટમાં દર્શાવાયું છે.

પાટીદાર અનામત આંદોલનની ગત તા. ૨૬ ઓગષ્ટ ૨૦૧૫ના રોજ અમદાવાદ જીએમડીસી ખાતે જાહેર સભા યોજાઇ હતી જેમાં સાંજે અનામત આંદોલનના પાસના નેતા હાર્દિક પટેલની પોલીસે અચનાક ધરપકડ કરતાં ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા જેમાં ઠેર ઠેર આગ ચંપી અને તોડફોડ થઇ હતી. આ તોફાન દરમિયાન ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં પાટીદારો પર પોલીસ દમન ગુજાર્યું હોવાના આક્ષેપો થયા હતા. આ આંદોલનમાં ૧૪ જેટલા પાટીદાર યુવાનોના મોત નિપજ્યા હતા. સોશિયલ મિડિયામાં ફરતી થયેલી વિગતો મુજબ પોલીસે પરત ખેંચેલા કેસોમાં મહેસાણા જિલ્લામાં વિજાપુર, બહુચરાજી અને ખેરાલુ સહિતના પોલીસ સ્ટેશનમાંથી કુલ ૨૭ કેસો પરત ખેચાયા હતા અને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, તલોદ, ગાભોઇ ઇડર અને પ્રાંતિજ સહિતના પોલીસ સ્ટેશનોમાંથી કુલ ૯ કેસો પાછા ખેંચાયા હોવાની વિગતો ફરતી થઇ છે. આ કેસોમા ખાસ કરીને મોટા ભાગના સામાન્ય મારામારી, રાયોટિંગ અને જાહેરનામોના ભંગની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર