રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય સોમવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે. એટલું જ નહીં, પણ હેલ્થનું લાઈસન્સ નહીં ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઇંડાંના વેચાણ સામે પગલાં લેવામાં આવશે. બીજી તરફ, અગાઉ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ થયેલા ઠરાવ અનુસાર આ પ્રકારની લારીઓ જાહેર રસ્તાઓ પર ઊભી રહીને ધંધો ન કરે એવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે.ત્યારે આજની બેઠકમાં એસ્ટેટ વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેર સ્થળો પર ઊભા રહીને આ પ્રકારના ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા અટકાવવામાં આવવા જોઇએ. જે લોકો પાસે એનું યોગ્ય લાઇસન્સ ન હોય તે તમામ દુકાનો સામે આવતીકાલથી તવાઇ આવશે.