ગુજરાત ATSએ સાંકરદા ખાતે આવેલી GIDCમાં દરોડા પાડ્યાઃ ડ્રગ્સ બનાવવાના મટીરીયલનો શંકાસ્પદ જથ્થો મળ્યો

સોમવાર, 22 ઑગસ્ટ 2022 (15:46 IST)
ગુજરાતમાં એક બાદ એક અલગ-અલગ સ્થળેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે, ત્યારે આજે ગુજરાત ATS અને વડોદરા SOGએ સાંકરદા ખાતે આવેલી GIDCમાં દરોડા પાડ્યા છે. નેક્ટર કેમ કેમિકલ કંપનીમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસના આરોપી પિયુષ પટેલને સાથે રાખીને ATSની ટીમે સ્વસ્તિક સિરામિક કમ્પાઉન્ડના પ્લોટ નંબર 13 અને શેડ નંબર 1માં કાર્યવાહી કરી છે.

નેક્ટર કેમ કંપનીના માલિકોએ 5 વર્ષથી ગોડાઉન ભાડે રાખ્યું હોવાની માહિતી મળી છે. ગોડાઉનમાંથી ATSએ એક આરોપીની ધરપકડ કરી છે.ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવાના રો મટીરીયલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને તેને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. અગાઉ સાવલીના મોકસી ગામમાં નેક્ટર કેમ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. નેક્ટર કેમ કેમિકલ કંપનીમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસના આરોપી પિયુષ પટેલે રિમાન્ડ દરમિયાન સાંકરદામાં ગોડાઉન ભાડે રાખીને રો મટીરીયલ રાખ્યું હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે ATSની ટીમે આજે રેડ કરી છે.આ પહેલા ગુજરાત ATSએ 16 ઓગસ્ટે સાવલીના મોકસી ખાતે નેક્ટર કેમ કંપનીમાં દરોડા પાડીને રૂા.1125 કરોડની કિંમતનુ અંદાજે 225 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. વહેલી સવારથી મોડી રાત સુધી ડ્રગ્સની તપાસ અને તેનું વજન ચકાસવાની પ્રક્રિયા કરાઈ હતી. જેને ચકાસતા 18 કલાક લાગ્યા હતા. મોડી રાત સુધી કામગીરી ચાલુ હતી. ATSએ કંપનીના 2 પાર્ટનર પીયુષ પટેલ (રહે.માંજલપુર)ને વડોદરાથી, જ્યારે મહેશ વૈષ્ણ‌‌વ (રહે.ધોરાજી)ને સુરતથી પકડી લીધો હતો. એક વર્ષથી આ વેપલો ચાલતો હતો, પણ જિલ્લા પોલીસ અને સ્થાનિકોને ગંધ આવી ન હતી. કંપની કોરોનાની હાઇડ્રોક્લોરોક્વીન દવાની આડમાં નશીલા ડ્રગ્સ બનાવતી હતી. મોકસીની નેક્ટર કેમ કંપનીમાં દવાની આડમાં ડ્રગ્સનો કારોબાર થતો હતો. કંપનીમાં ડ્રગ્સ ભરેલા છેલાઓ છૂટાછવાયા મૂકી રખાતા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર