જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલી અમદાવાદમાં જોવા મળશે, 7 ફેબ્રુઆરીથી લોકો જોઈ શકશે

શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (14:08 IST)
ફ્લાવર વેલી ગાર્ડન જોવા માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 10 ટિકિટ
ઓનલાઇન ટિકિટ લેનારને બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
 
અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2023 શુક્રવાર
 
અમદાવાદમાં ગત જાન્યુઆરી મહિનામાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લાવર શોની લાખો લોકોએ મુલાકાત લીધી હતી. હવે શહેરના નિકોલ વિસ્તારમાં ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવશે. શહેરીજનોને હવે જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલી અમદાવાદમાં જોવા મળશે. 
 
સાતમી ફેબ્રુઆરીથી ફ્લાવર ગાર્ડન શરૂ કરાશે
નિકોલમાં તૈયાર થનારી ફ્લાવર વેલી એક મહિના સુધી લોકો જોઈ શકશે. સાતમી ફેબ્રુઆરીથી તેની શરૂઆત કરવામાં આવશે. આ ફ્લાવર વેલી જોવા માટે શહેરીજનોએ 10 રૂપિયાની ટિકીટ ખર્ચવી પડશે. તે ઉપરાંત ત્યાં જોવાનો સમય પણ સવારે 9થી રાતના 9 વાગ્યા સુધીનો રહેશે. મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે અને AMCના અધિકારીઓએ આજે આ ફ્લાવર વેલી ગાર્ડનની મુલાકાત લીધી હતી.
 
ઓનલાઇન ટિકિટ લેનારને બે રૂપિયા ડિસ્કાઉન્ટ 
AMCના બગીચા વિભાગ દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક 21046 ચોરસ મીટરના પ્લોટમાં એક ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 7 ફેબ્રુઆરીથી આ ફ્લાવર વેલી ગાર્ડન નાગરિકો માટે ખૂલ્લુ મુકવામાં આવશે. આ ફ્લાવર વેલી ગાર્ડન જોવા માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 10 ટિકિટ રાખવામાં આવી છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ લોકો મેળવી શકશે. ગાર્ડનના સ્થળેથી પણ લોકો 10 રૂપિયામાં ટિકિટ ખરીદી શકશે, જ્યારે ઓનલાઇન ટિકિટ લેનારને બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ ઓનલાઇન જે વ્યક્તિ ટિકિટ ખરીદશે તેને 8 રૂપિયામાં ટિકિટ પડશે.
 
28 નવેમ્બરના રોજ આ ફ્લાવરના સીડ્સ વાવ્યા હતાં
​​​​​​​17 નવેમ્બર 2022ના રોજ આ ફ્લાવર ગાર્ડન તૈયાર કરવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. 28 નવેમ્બરના રોજ આ ફ્લાવરના સીડ્સને લાવી વાવવામાં આવ્યા હતા. આ એક પ્રકારનું સિઝનલ ફ્લાવર છે અને શિયાળાના સમયમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ તૈયાર થતો હોય છે. એક વર્ષ સુધી સતત આ ગાર્ડન બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.આ અંગે મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, કોસમોસ છોડ સિઝનલ ફૂલ એક જ પ્રકારના હોય છે. માત્ર કલર અલગ હોય છે. લોકો ફલાવર વેલીનો આનંદ મેળવી શકે તેના માટે થઈ અને આ સીઝનલ ફ્લાવર વેલી બનાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર