28 સપ્ટેમ્બરે મેવાણી–કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાશે, કોગ્રેસ યુવાઓ ઉપર વધુ ભાર

શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (15:08 IST)
સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર (CPI leader Kanhaiya Kumar,) અને ગુજરાતના વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Independent MLA Jignesh Mevani), આગામી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાશે તેમ સૂત્રોએ જણાવ્યુ છે.  કોંગ્રેસ ઈચ્છે છે કે, ગુજરાતમાં હવે યુવાઓને વધુને વધુ પ્રાધાન્ય આપવુ જોઈએ. એક સમયે પાટીદાર અનામત આંદોલન દ્વારા સમગ્ર ગુજરાતમાં ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા હાર્દીક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. હાર્દીક પટેલને લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અન્ય રાજ્યોમાં પ્રચારક તરીકે જવાબદારી પણ સોપવામાં આવી હતી. તો ગુજરાતમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ પણ બનાવ્યા છે.
 
તો બીજી બાજુ ગુજરાતના બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વડગામથી જીગ્નેશ મેવાણી સામે કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા. ગુજરાતમાથી જીગ્નેશ મેવાણી એક યુવા દલિત નેતા તરીકે ઊભર્યા છે. ગુજરાતમાં બનેલી કેટલીક ઘટનાઓમાં જીજ્ઞેશ મેવાણીએ તત્કાલિન રાજ્ય સરકાર સામે અવાજ પણ ઉઠાવ્યો હતો. અને સમસ્યાનું યોગ્ય સમાધાન મેળવ્યું હતું. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા જીગ્નેશ મેવાણી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વિનર તરીકે કાર્યરત છે. અંગ્રેજી સાથે બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ મેવાણીએ કર્યો છે.
 
તાજેતરમાં જ કન્હૈયા કુમારે આ અંગે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાર્ટી પાસે કન્હૈયા કુમાર માટે એક યોજના છે, જેનો અમલ કરવામાં આવશે. બિહારમાં કોંગ્રેસ ટૂંક સમયમાં તેના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. જેમાં કન્હૈયા કુમારને નવી જવાબદારી સોપવામાં આવી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર