ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન રવિવારે થયું હતું. મતદાન પુરૂ થતાં સોમવારે સવારે તંત્ર દ્રારા કોરોના ટેસ્ટ માટે ડોમ લગાવી દેવામાં આવ્યા છે. દિવાળી બાદ અચાનક કોરોનાના કેસમાં વધારો થતાં રાત્રિ કરર્ફ્યું લગાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતાં રાજ્ય સરકાર દ્વારા પણ રાત્રી કર્ફ્યુ એક કલાક વધારી દેવામાં આવ્યો હતો. રાજ્યસરકારે રાત્રી કર્ફ્યુ 11 થી સવારના 6 ની જગ્યાએ રાત્રીના 12 થી સવારના 6 કરી દીધું હતું. જેથી કરીને ચૂંટણીમાં નેતાઓ મોડીરાત સુધી સભા રેલીઓ યોજી શકે.
જો કે, છેલ્લા 24 કલાકમાં નવા 66 કેસ નોંધાવા સાથે એક જ દિવસમાં કેસમાં લગભગ 47 ટકાનો વધારો થયો છે. ત્યારે મનપાની ચૂંટણી પૂર્ણ થતાં તંત્રને કોરોનાના કેસો વધવાની આશંકાને જોતાં ફરીથી ડોમ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં 16 સ્થળોએ ફરીથી કોરોના ટેસ્ટ માટે ડોમ રાતોરાત ઉભા કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના શિવરંજની ચારરસ્તા નજીક આવેલા ડી - માર્ટ પાસે કોરોના ડોમ લગાવી દેવામાં આવ્યા છે. વહેલી સવારે ડોમ શરૂ થતાની સાથે જ આશંકિત શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવવા પણ પહોંચ્યા હતા. અગાઉ સંપૂર્ણપણે ટેસ્ટીંગ પોઇન્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ફક્ત અર્બન હેલ્થ સેન્ટર પર જ ટેસ્ટ કરવમાં આવતા હતા.