કોંગ્રેસનું ન્યૂ કેમ્પેઇન લોન્ચ થયું - મારા હાળા છેતરી ગ્યાં:'મેટ્રો ટ્રેન ચાલુ કરી નહીં ને,બુલેટટ્રેનની લોલીપોપ આપી
ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (14:49 IST)
વિકાસ ગાંડો થયો છે તે મુદ્દો આજકાલ સોશિયલ મિડીયામાં એટલો છવાયો છેકે, ભાજપ પાસે કોઇ જવાબ નથી. વિધાનસભાની ચૂંટણી સમયે મતદારોમાં વ્યૂહાત્મક પ્રચાર કરવા ન્યૂ થીમ સાથે કોંગ્રેસની સાયબર આર્મી સજ્જે થઇ છે. મારાં હાળા છેતરી ગયાં એ સૂત્ર સાથે કોંગ્રેસ આઇટી સેલને ન્યૂ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. અત્યાર સુધી ભાજપે સોશિયલ મિડિયાનો વ્યાપક ઉપયોગ કરીને પક્ષ-સરકારનો ધૂમ પ્રચાર કર્યો. પણ હવે આ જ સોશિયલ મિડીયા ભાજપ માટે માથાનો દુખાવો બની રહ્યો છે.
વિકાસ ગાંડો થયો છે એ મુદ્દો ભાજપ સરકારની ટિકા કરવાનું માધ્યમ બની રહ્યું છે. કોંગ્રેસના આઇટી સેલે હવે ન્યૂથીમ બનાવી છે જેનુ મૂખ્ય સૂત્ર હશે મારાં હાળા છેતરી ગયાં. વિકાસ ગાંડો થયો છે તે પેજને અત્યાર સુધીમાં ૯૦ હજાર લાઇક મળી છે. નકારાત્મક પ્રચાર નહીં,બલ્કે પ્રજાના દિલની વાતનો પ્રચાર કરીને કોંગ્રેસ મતદારો સુધી પહોંચવા માંગે છે. ન્યૂથીમમાં એવા સૂત્રો તૈયાર કરાયાં છેકે, ૧૫ લાખ આપ્યાં નહીં,નોટબંધીમાં હતાં એય લઇ ગ્યાં,મારા હાળા છેતરી ગ્યાં, વિકાસના નામે મત માંગ્યાં,એ જ વિકાસને ગાંડો કરી ગ્યાં, મારાં હાળા છેતરી ગ્યાં, ખેડૂતોના ભાવો તો ભૂલી જ જાઓ,ટેકાના ભાવે ય ઘટાડી દીધાં, મારાં હાળા છેતરી ગ્યાં, મહિલાની રાખડીનુ વચન ભૂલી ગ્યાં,તેમનાવાળા જ આબરૃ લૂંટી ગ્યાં, મારા હાળા છેતરી ગ્યાં, અનામતની વાત જ ભૂલી ગ્યાં,ગોળી-લાઠીથી મારવા માંડયાં, મારા હાળાં છેતરી ગ્યાં, મેટ્રો ટ્રેન તો ચાલુ કરી શક્યાં નહીં,હવે બુલેટટ્રેનની લોલીપોપ આપી ગ્યાં, મારા હાળા છેતરી ગ્યાં, આ ઉપરાંત કોંગ્રેસે પ્રગતિબેન ખોવાયાં છે તેનુ પણ જોરદાર કેમ્પેઇન શરૃ કર્યું છે. ભાજપના નેતાઓના ખોટા જુમલા-વચનોન વ્યંગમાં રજૂ કરીને શરૃ કરાયેલાં અભિયાનને ગુજરાતીઓ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે પરિણામે ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હવે સોશિયલ મિડીયાના મેદાને કેમ ટકવુ એ ભાજપ માટે પ્રશ્ન સર્જાયો છે.