કોરોનાની મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં કોલેરાનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. ગાંધીનગરના કલોલમાં પાંચથી વધુ કોલેરાના કેસ મળી આવ્યા છે. ત્યારબાદ જિલ્લા વહિવટીતંત્રએ કલોલને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરી દીધો છે. ટીમની રચના કરી કોલેરા ફેલાવવાના કારણોને શોધવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યએ મહામારી રોગ એક્ટ હેઠળ કલોલના બે કિલોમીટરના દાયરાને બિમારીથી પ્રભાવિત વિસ્તાર જાહેર કર્યો છે. આ આદેશ બે મહિના સુધી લાગૂ રહેશે. કલેક્ટર કુલદીપ આર્યએ કહ્યું કે તપાસ કરવામાં આવેલા 38 નમૂનામાંથી પાંચમાં કોલેરાની પુષ્ટિ થઇ છે. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના નડીયાદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કર્યાના એક અઠવાડિયા બાદ આ ગાંધીનગરમાં કોલેરાનો પ્રકોપ જોવા મળ્યો છે. અધિકારીઓએ કહ્યું કે નડીયાદમાં અત્યારે કોલેરાના ચાર કેસની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 50 લોકોને બિમાર થવાની અને ઉલટી અને ઝાડા જેવા લક્ષણો અનુભવતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નડીયાદ નગર પાલિકાના મુખ્ય અધિકારી પ્રણવ પારેખએ કહ્યું કે તૂટેલી પાઇપલાઇનોનું સમારકામ, ખુલ્લા ખાડાને ભરવા અને કીટાણુનાશક સ્પે કરવાની કામગીરી ચાલુ છે.