મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો કરાવ્યો શુભારંભ, કોરોના ગાઈડલાઈન્સનું કરાશે પાલન

સોમવાર, 26 ડિસેમ્બર 2022 (11:15 IST)
કાંકરિયા કાર્નિવલનું રવિવારે સાંજે 6.30 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા ખાતે આવી પહોંચ્યા છે. ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂત કાંકરિયા પહોંચ્યા હતા. તમામ કમિટીઓના ચેરમેન અને કોર્પોરેટરો પણ કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન તેમજ તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અહીં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આ ભવ્ય કાંકરિયા કાર્નિવલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 
રવિવારથી શરૂ થયેલ કાર્નિવલ 31મી ડિસેમ્બર સુધી માણી શકાશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી શકે, જેના માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે કોરોના ગાઈડલાઈન્સનું ખાસ પાલન કરવામાં આવશે. લોકોને ખાસ માસ્ક પહેરવાની પણ વિનંતી કરવામાં આવી છે.
 
રવિવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા દ્વારા 100 જેટલા સ્વયંસેવકો જોડાયા છે, જેઓ લોકોને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરાવશે. કાંકરિયા કાર્નિવલમાં ત્રણ સ્થળોએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેના પર રાજભા ગઢવી, વિજય સુનવાલા, સાઈરામ દવે, ભૌમિક શાહ અને આદિત્ય ગઢવી સહિતના કલાકારો પરફોર્મન્સ આપશે. આ સાથે રાત્રે 10 કલાકે લેસર બીમ શોનું પણ આયોજન કરવામાં આવશે.
અમદાવાદ 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ અને જાન્યુઆરીમાં ફ્લાવર શોનું આયોજન કરે છે. યોજના દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.
 
તમને જણાવી દઈએ કે, વર્ષ 2008થી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરે એક ભારત શ્રેષ્ઠ ભારત વિષય અંતર્ગત ભવ્ય ઉજવણી કરાશે. આ વર્ષે પણ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે ભાગ લેવા તંત્રએ લોકોને અપીલ કરી છે.
 
ઉલ્લેખનીય છે કે, કોરોનાના નવા વેરિયન્ટ વચ્ચે કાંકરિયા કાર્નિવલમાં હેલ્થ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં માસ્કનું મફત વિતરણ અને જો કોઈ વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવો હોય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયાની મુલાકાત લેવા આવનારા લોકોમાં પણ સજાગતા જોવા મળી રહી છે અને સામેથી માસ્ક લેવા લોકો પહોંચી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર