મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આજથી હું માસ્ક પહેરીશ, મેળાવડામાં જતા લોકો માસ્ક પહેરે

શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (12:16 IST)
હવે ફરીવાર સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર શરૂ થઈ ગયો છે. ભારત દેશમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ છે અને વેક્સિન તથા દર્દીઓ માટેની સગવડો પર ભાર મુકી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારોએ પણ કોરોનાને લઈને આગવી તૈયારીઓ કરી લીધી છે.  ત્યારે આજે અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવુ જોઈએ. સાવચેતી રાખીશું તો સારૂ રહેશે. મેળાવડામાં જવાનું મોટેભાગે ટાળવું જોઈએ. મેળાવડાઓ હોય ત્યાં માસ્ક પહેરીને જ જવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે, હવેથી હું પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દઈશ.

દેશમાં કર્ણાટકમાં ફરજિયાત માસ્કની સૂચના આપી દેવામાં આવી છે. તે ઉપરાંત સંસદમાં પણ સાંસદોએ ફરજિતા માસ્ક પહેરીને આવવું પડશે. પરંતુ હવે ગુજરાતમાં પણ માસ્ક પહેરવો ફરજિયાત થઈ શકે છે. કારણ કે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે આજથી હું પણ માસ્ક પહેરીશ અને લોકોએ પણ મેળાવડાઓમાં જતાં માસ્ક અવશ્ય પહેરવું જોઈએ. જેટલી સાવચેતી રાખીશું એટલું આપણા બધા માટે સારૂ છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં આગામી પાંચ વર્ષની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઈ છે. આ બેઠકમાં હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્થિતિ વધુ વણસે નહીં તે માટેના અટકાયતી પગલાં લેવા માટે પણ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ દ્વારકા કોરિડોરની પણ ચર્ચા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનો આદેશ કર્યો છે. સંપૂર્ણ તૈયારીઓ માટે આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવાયું છે. અધિકારીઓને બેડ, દવાઓ, વેક્સિન અને ઓક્સિજન સહિતની તમામ તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં માત્ર સિંગલ ડિજિટમાં જ કોરોનાના કેસો આવે છે. રાજ્ય સરકાર પણ તમામ તૈયારીઓ પર ધ્યાન આપી રહી છે. સિઝનલ ફલૂ પર લક્ષણો જોઈને સારવાર કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર