સાવધાન! દિપડા બાદ સિંહની અમદાવાદની એન્ટ્રી, હુમલો કરતાં એકને ઇજા

શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (09:31 IST)
તાજેતરમાં અમદાવાદ જિલ્લામાં સરખેજ પાસે જ દિપડાનું વાહન અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ હવે  ગીરમાંથી આવેલા એક સિંહનું લોકેશન અમદાવાદ સિટી નજીક જિલ્લામાં મળી આવ્યું છે. જો કે સમગ્ર સ્થિતિ પર વન વિભાગના અધિકારીની ચાંપતી નજર છે. આ સિંહના પગમાં જીપીએસ  રેડિયો કોલર છે. જેના દ્વારા સિહનું લોકેશન મળી રહ્યું છે. હવે અમદાવાદથી માત્ર 140 કિલોમીટર દુર સિંહ નજરે પડ્યો છે. 
 
ત્યારે ભાવનગરના છેવાડે આવેલા જસવંતપૂરા અને ગુંદાળા ગામના જંગલ વિસ્તારમાં સિંહે હૂમલો કર્યો હતો. જસવંતપુરાના એક વ્યક્તિએ નજીકથી જોવાનો પ્રયાસ કરતા સિંહે હુમલો કર્યો હતો. જસવંતપુરા ગામના ખોડુભાઈ ચુડાસમા પર સિંહે હુમલો કર્યો હતો. તેમને સામાન્ય ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
 
વન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં બાળિયારીના જંગલ વિસ્તારમાં સિંહનું લોકેશન મળ્યું છે. આ સંદર્ભમાં ભાવનગર વન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના વન વિભાગને લોકેશનની માહિતી આપવા ઉપરાંત એલર્ટ સંદેશો પણ આપી દેવાયો હતો. આ સિંહના પગમાં જીપીએસ રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે. જેની મદદ વડે સિંહનું લાઈવ લોકેશન મળી રહ્યું છે. વન વિભાગ દ્વારા બાળિયારી જંગલ વિસ્તારની આજુબાજુમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવાયા છે. એટલે કે સિંહની નજીક નહીં ઉપરાંત તેને જરાં પણ નહીં છંછેડવા સૂચના અપાઈ છે. જો કે આ વિસ્તાર અમદાવાદ સિટીથી 140 કિ.મી. દૂર છે.
 
આ સિંહ આમ તો ભાવનગરના કાળિયાર નેશનલ પાર્કથી 5 કિ.મી. દૂર જોવા મળ્યો હતો. તે હવે તેની આજુબાજુમાં વસી ગયો હોવાનું લાગે છે. વન વિભાગના અધિકારીઓ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠા છે. જો આ સિંહ અમદાવાદ સિટીની નજીક સરકી જશે તો તેને તેના અમરેલીના મૂળ સ્થળ તરફ વાળવાનો પ્રયાસ કરાશે. આ સિંહ અમરેલીથી 100 કિ.મી. દૂર જોવા મળેલા ત્રણ સિંહ પૈકીનો એક હોવાનું મનાય છે, એટલે કે તેને તેના ગ્રુપમાં તરફ વાળીને પરત મોકલી દેવાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર