ત્રણ દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટ પર પકડાયેલ કેન્યાની યુવતીનું પેટમાંથી ડ્રગ્સની 50 કેપ્સ્યૂલ કાઢ્યા બાદ મોત થયું

શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (08:49 IST)
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં અટકાયત કરાયેલી કેનિયાની યુવતીના પેટમાંથી ડ્રગ્સની 50થી વધુ કેપ્સ્યૂલ કાઢ્યા બાદ યુવતીની તબિયત લથડતા તેને સિવિલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેનું મોત થયું હતું. આ અંગે કસ્ટમ વિભાગે પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 23મી ફેબ્રુઆરીના રોજ કેન્યાથી એક યુવતી અમદાવાદ આવી હતી. આ યુવતીની શંકાસ્પદ હિલચાલને ધ્યાને લેતા કસ્ટમના અધિકારીઓએ તેને રોકી પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તેના પેટમાં ડ્રગ્સની કેપ્સ્યૂલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હતું, જેના પગલે આ યુવતી શિખોલી ડાયના (ઉં.35, કેનિયા)ને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તેના પેટનો એક્સરે અને સોનોગ્રાફી કરવામાં આવતા તેના પેટમાં ડ્રગ્સની કેપ્સ્યૂલ હોવાનું માલૂમ પડતાં કેપ્સ્યૂલ કાઢવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં શિખોલી ડાયનાના પેટમાંથી 50થી વધુ ડ્રગ્સની કેપ્સુલ મળી આવી હતી. દરમિયાન 24 ફ્રેબુઆરીની સવારે શિખોલી ડાયનાની તબિયત લથડતા તેને આઈસીયુ વોર્ડમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.જોકે 24 મીની સાંજે તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે કસ્ટમ વિભાગે પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આ મામલે હાલના તબક્કે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પેનલ ડોક્ટરો દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કેનિયાની યુવતી શિખોલી ડાયનાના પેટમાં ડોક્ટરોએ 50થી વધુ ડ્રગ્સની કેપ્સ્યૂલ કાઢી હતી, જે શંકાસ્પદ ડ્રગ્સ કોકેઇન હોવાનું મનાઈ રહ્યું છે. જોકે આ બાબતે પુષ્ટિ કરવા માટે કેપ્સ્યૂલ તપાસવા એફએસએલની મદદ લેવામાં આવી છે. દરમિયાન હજુ યુવતીના શરીરમાં રહી ગયેલા એક કે તેનાથી વધુ કેપ્સ્યૂલ પૈકી કોઈ એક કેપ્સ્યૂલ ફાટી જતા તેની તબિયત લથડતા મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યેથી આ બાબતે વધુ સત્તાવાર બાબત જાણી શકાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર